હાલોલમાં બે ગોડાઉનોમાંથી અનાજ, તેલ સહિતના લાખોના માલની ચોરીની ધટના સીસીટીવીમાં કેદ

હાલોલ,હાલોલમાં ઉત્તરાયણની આગલી રાત્રે પાવાગઢ રોડ પર તળાવ સામે આવેલી પુરાણી શોપિંગ સેન્ટરમાં આવેલ અનિકેત ટ્રેડર્સ અને શિવ ટ્રેડર્સના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ લાગેલ સીસીટીવી કેમેરા તોડી તેલના ડબ્બા, અનાજ સહિત પાન-પડીકીઓના જથ્થાની ચોરી કરી ટ્રકમાં ભરી પલાયન થઈ ગયા હતા. તેમ છતાં સવા કલાક સુધી ચાલેલી ચોરીની ધટના ગોડાઉનો પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઉત્તરાયણની આગલી રાત્રે તળાવની સામે અનાજ કરિયાણાની દુકાનો ધરાવતા અનિકેત ટ્રેડર્સના હરિસ સુખવાની અને શિવ જનરલ સ્ટોરના પ્રભુભાઈ સુખવાનીના નજીકમાં આવેલ પુરાણી શોપિંગ સેન્ટરમાં ગોડાઉનો આવેલા છે. ઉત્તરાયણની આગલી રાત્રે લોકોની ભારે અવર જવર વચ્ચે તળાવ સામે શોપિંગ સેન્ટરમાં બે ગોડાઉનોને તસ્કરોએ બિંદાસ્ત ચોરીને અંજામ આપી સાથે લાવેલ ટ્રકમાં લાખોની કિંમતનો માલસામાન ભરી ભાગી છુટ્યા હતા. સવા કલાક સુધી ચોરીની ધટનાને અંજામ આપી તસ્કરોને શોપિંગ સેન્ટરના ચોકકસ બે ગોડાઉનોને નિશાન બનાવ્યા હતા. જેને લઈ ચોરીમાં કોઈ સ્થાનિકની સંડોવણી હોવાની નકારી શકાય તેમ નથી. ધટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને હાલોલ, કાલોલ ટોલનાકા સહિતના સીસીટીવી ચકાસવા સાથે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.