હાલોલ,
128 હાલોલ વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મથી પોતાનું પ્રભુત્વ જમાવી વિધાનસભા બેઠક પોતાના નામે કરી સતત 20 વર્ષથી હાલોલ વિધાનસભાની ધારાસભ્ય બેઠકે બિરાજમાન થયેલા વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારને 128 હાલોલ વિધાનસભાની 2022ની ચૂંટણી માટે ફરી એકવાર હાલોલ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા પસંદગી કરવામાં આવી છે. જેને લઈને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉર્ફે જયું દાદાના મોટી સંખ્યામાં હંમેશાથી રહેલા હાલોલ વિધાનસભા મતવિસ્તારના સમર્થકો અને ટેકોદારોમાં ભારે ઉલ્લાસ સાથે તેઓને જીતાડવાનો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહજી પરમાર પોતાના પરિવારજનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દરબારમાં મહાકાળી માતાજીના સુભાષિશ મેળવવા માટે પહોંચ્યા હતા. જ્યાં જયદ્રથસિંહ પરમાર સહિત તેઓના ધર્મ પત્ની ઇલાબા, પુત્ર મયુરધ્વજસિંહ પરમાર સહિત પરિવારજનોએ મહાકાળી માતાજીના મંદિરે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ધજાજીની પૂજા અર્ચના કરી માતાજીના મંદિરના સુવર્ણ શિખર પર ધજા ચડાવી હતી અને મહાકાળી માતાજી ની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. જે બાદ ભાજપાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે પોતાની પ્રચંડ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો