હાલોલ, હાલોલ-વડોદરા રોડ ઉપર આનંદપુરા નજીક એક બાઈક કારની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં લીમખેડાથી વડોદરા જઈ રહેલા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બાઈક ઉપર બેઠેલી બાઈક ચાલકનુ પિતરાઈ બહેનનુ અકસ્માત બાદ રોડ ઉપર પટકાતા બાજુમાંથી પસાર થઈ રહેલા ટ્રકના મહાકાય વ્હિલ તેના પર ફરી વળતા ધટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ.
દાહોદ જિલ્લાના લીમખેડાના રહિશ અને વડોદરા બાંધકામ સાઈટ ઉપર ટ્રેકટર ચલાવતા સમીર રાકેશભાઈ ડામોરની સાથે તેના કાકા વિજયભાઈ ડામોર પણ જેસીબી ચલાવે છે. કામ હોવાથી સમીર બાઈક લઈ વતન લીમખેડા ગયા હતા. લીમખેડાથી પરત વડોદરા તેના કાકા વિજયભાઈની 11 વર્ષની દિકરી આરોહીને બાઈક પર લઈને નીકળ્યો હતો. ત્યારે હાલોલ-વડોદરા રોડ ઉપર આનંદપુરા પાસે બાઈક કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ જયારે બાઈક ઉપર બેઠેલી પિતરાઈ બહેનનુ અકસ્માતમાં રોડ ઉ5ર પટકાતા બાજુમાંથી પસાર થતી ટ્રકના મહાકાય વ્હિલ તેના પર ફરી વળતા ધટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ. ગંભીર ઈજાગ્રસ્ત સમીરને 108 મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયાં તેના જમણા હાથમાં પહેરેલુ ચાંદીનુ કડું હાથમાં ધુસી જતાં ઓપરેશન કરીને બહાર કાઢવુ પડે તેવી સ્થિતિ હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કર્યો હતો. મૃત્યુ પામેલી આરોહી ડામોર ધો-6માં અભ્યાસ કરે છે. અત્યારે વેકેશન હોવાથી કાકાનો દિકરો વતન આવ્યો હતો. એટલે આરોહી તેના પિતા સાથે રહેવા જવા માટે કાકાના દિકરા સમીર સાથે બાઈક ઉપર વડોદરા જઈ રહી હતી. ત્યારે આ અકસ્માતની ધટના બનતા પોલીસ ધટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.