હાલોલ તાજપુરા નારાયણ ધામ ખાતે ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ વંદના માટે લાખો ભકતો ઉમટી પડયા

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામમાં રવિવારના રોજ ગુરૂપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરૂ વંદના કરવા બે લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. તાજપુરાને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તોનું કીડીયારૂ ઉભરાયું હોય તેમ જણાતું હતું. નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ. પૂ. નારાયણ બાપુના અનુયાયીઓનો બહોળો સમુદાય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ ના અનુયાયીઓ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. પરપ્રાંતીય ભક્તો ગુરૂપૂર્ણિમાની આગલી રાતથી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા. ભક્તોમાં ગુરૂ પૂર્ણિમાના રોજ ગુરૂ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

જેને લઇને ભક્તો ગુરૂ પૂર્ણિમાના રોજ વહેલી સવારથી જ નારાયણ ધામ તાજપુરા તરફ જતા જોવા મળી રહ્યા હતા. માર્ગની ચારે તરફ નારાયણ બાપુ કી જયના ગગન ભેદી નારાઓ સંભળાતા હતા. જ્યારે ગુરૂ પૂર્ણિમાને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ગુરૂપૂર્ણિમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ.પૂ. બાપુની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂ. બાપુજીને પાલખી યાત્રા મંદિર પરિસર ખાતે ભક્તિઓની ભવ્ય હાજરીમાં નીકળી હતી.

પાલખીયાત્રાના દર્શનથી ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. ત્યારબાદ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તો શિસ્ત બદ્ધ રીતે બ્રહ્મલીન પ.પુ. બાપુજીની સમાધિએ શિશ ઝુકાવી ગુરૂ વંદના કરી ધન્યતા અનુભવતા હતા. ત્યારબાદ મહાપ્રસાદ નો લાખોની સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો.જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ગુરૂ વંદના કરવા આવવાના હોય પોલીસ દ્વારા 1, ડી.વાય.એસ.પી, 3 પી.આઇ, 8 પી.એસ.આઇ. તેમજ અન્ય પુરૂષ મહિલા પોલીસ કર્મી કુલ મળી 350 પોલીસ દ્વારા તાજપુરાના માર્ગ પર આવતા બાસ્કા,વાસેતી, ગોપીપુરા તમામ નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

જ્યારે લાખોની સંખ્યામાં ગુરૂ વંદના કરવા આવેલા ભક્તો માટે સવારે 10.00 કલાકે મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી. જોકે, લાખોની સંખ્યામાં ભક્તોની હાજરીને ધ્યાનમાં લઈને 4000 કીલોની બુંદી 3000 કીલો ના ગાંઠીયા 200 કીલો ચોખાનો ભાત 200 મણનું શાક 50, મણ તુવેરની દાળ 40 મણ વાલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે મહાપ્રસાદી નિરંતર બપોર બાદ પણ ચાલુ રહેલ હોવાનું જોવા મળતું હતું. જ્યારે ગૌરીવ્રત ચાલતું હોય દર્શને આવનાર કુવારીકાઓના ફલાહાર માટે 5000, પેકેટ બટાકાની વેફર, 70 મણ કેળા તેમજ ગાયના ઘીની 400 કીલોની લાપસી તેમજ 300 કીલો માવાના પેંડા મહાપ્રસાદમાં કુવારીકાઓને પીરસવામાં આવી હતા.