હાલોલ,હાલોલના શિવરાજપુરના બામણકુવા કાકલપુર રોડ ઉપર નવા બનાવવામાં આવેલ નાળા પાસે કોઈ યુવકનો મૃતદેહ અને બાઈક પડી હોવાની જાણ રાહદારીને થતાં શિવરાજપુર પોલીસને જાણ કરી હતી. શિવરાજપુર પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે હત્યા હોવાનું જણાઈ આવતાં પાવાગઢ પીએસઆઈ ધટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતાં મૃતક યુવક નવાકુવા ગામનો હોવાનું સામે આવ્યું હતું.
હાલોલના નવાકુવા ગામે રહેતા વિષ્ણુભાઇ બારીયા પાવાગઢ ખાતે પરચુરણ દુકાન ચલાવતા હોય તેના બે પુત્રો પૈકી નાનો દિકરો કિર્તન બારીયા ઉ.વ.19ની રાત્રીના સમયે નિર્મમ હત્યા કરી મૃતદેહને શિવરાજપુર નજીક બામણકુવા કાકલપુર જવાના રસ્તે નાળા પાસે ફેંકી દેવામાં આવ્યો હોવાનું અનુમાન છે. મૃતકના પિતા વિષ્ણુભાઇ વિકેન્ડના દિવસોમાંં ધંધા માટે માંચી રોકાતા હોવાની તેમના બન્ને પુત્રો પૈકી મોટો દિકરો મેહુલ તેની પત્ની સ્નેહા અને નાનો પુત્ર કિર્તન ધરે હતા. રાત્રીના સમયે કિર્તન કોઇ સાથે મોબાઈલ ફોન ઉપર ઝગડો કરતો હતો. મોટો પુત્ર મેહુલ અને તેની પત્ની ધાબા ઉપર સુઈ ગયા બાદ કિર્તન બાઈક લઈને નિકળ્યો હતો અને સવારે બામણકુવા નજીકથી કિર્તનનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ઉપર પગમાં ગરમ સળીયાના ડામ જોવા મળ્યા છે. માથામાં તીક્ષ્ણ ધા જોવા મળ્યા છે. મૃતદેહને જોતા કિર્તનનું અપહરણ કરી તેને નિર્જન સ્થળે લઈ જઈ હત્યા કરાઈ હોવાનું લાગી રહ્યું છે. પોલીસ મથકે પરિવારજનો દ્વારા કરાયેલ ફરિયાદના આધારે હત્યારાઓને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.