હાલોલ શાક માર્કેટમાં ફટાકડાના તણખલાથી લારીઓ સળગી

હાલોલ,હાલોલ શહેરની મઘ્યમાં ગાંધી ચોક ખાતે આવેલ શાક માકેટમાં ઉભી રહેતી શાકભાજીની લારીઓમમાં અચાનક આગ લાગવાની ધટના સર્જાતા શાકભાજી માર્કેટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં એક શાકભાજીની લારીની છત પર લગાવેલા સુકા કંતાનમાં ઉંચે આકાશમાં જઈને ફુટેલા ફટાકડાના તણખા પડતાં સુકા કંતાનમાં આગ લાગી હતી. જેમાં ગરમીમાં સુકાયેલા કંતાનમાં લાગેલી આગે એકબીજાની નજીક અડોઅડ ઉભેલી અન્ય શાકભાજીની લારીઓની પ્લાસ્ટિકની તાડપત્રી તેમજ સુકા કંતાનને લપેટામાં લેતા ભીષણ આગ લાગી હતી. જેમાં સાત જેટલી શાકભાજીની લારીઓ આગની જવાળામાં લપેટાઈ હતી. જયારે સતત ટ્રાફિકથી અને અવરજવરથી ધમધમતા ગાંધી ચોક અને મંદિર ફળિયા જેવા વિસ્તારોમાં શાકભાજીની લારીઓમાં આગ લાગવાની ધટનાને લઈને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો દ્વારા હાથ વગા સાધનો વડે ચારે તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. જયારે લારીઓમાં મુકેલ શાકભાજીના જથ્થાને પણ લારી સાથે નીચે ઉંધા પાડી દેતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે બનાવની જાણ થતાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી. જો કે તે પહેલા જ મોટાભાગની આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.આગ કાબુમાં આવે તે પહેલા જ સાતેય લારીઓ તેમજ અન્ય સામાન અને ગલ્લાઓને નુકસાન પહોંચ્યુ હતુ. રોજ કમાઈને ખાનારા શાકભાજીની લારીઓના ગરીબ અને મઘ્યમ વર્ગનના 6 થી 7 લોકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. સદ્નસીબે આ લાગેલ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં હાશકારો થયો હતો.