હાલોલ સાર્વજનિક બગીચામાં તોફાની અસામાજીક તત્વોનો ત્રાસ,જાહેર સંંપતિનું નુકશાન કરતાં તત્વો ઉપર કાર્યવાહીની માંંગ.

હાલોલ,

હાલોલ નગરપાલિકાને અડીને આવેલા સાર્વજનિક બગીચામાં આજે વહેલી સવારે કેટલાક તોફાની અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવી બગીચામાં આવતા નગરજનોને બેસવા માટે મુકવામાં આવેલા બાંકડાઓ પાડી દઈ કેટલાક બાંકડાઓ તોડી નાખ્યા છે. આ જાહેર સંપત્તિનું નુકસાન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સોશિયલ મીડિયા ઉપર અને શહેરીજનો કરી રહ્યા છે.

હાલોલ નગરના વડોદરા રોડ ઉપર નગર પાલિકાના કોમ્યુનિટી હોલને તદ્દન અડીને આવેલા મણીબેન સાર્વજનીક બગીચામાં અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. નગરની મહિલાઓ અને બાળકો બગીચામાં બેસવા કે ફરવા માટે જઈ શકતા નથી. હાલોલ નગર પાલિકા દ્વારા જાહેર સૂચના બોર્ડ લગાવી બગીચામાં આવતા લોકોને શારીરિક ઇજાઓ અને માનસિક તકલીફો પડે તેવી રમતો નહીં રમવા માટે જણાવવામાં આવ્યું હોવા છતાં બગીચો ક્રિકેટનું મેદાન બની ગયો છે. સાર્વજનિક સંપત્તિ બગીચામાં દિવસ દરમિયાન અસામાજિક તત્વો દિવસ દરમિયાન ગંજીપાના રમવા માટે ઉપયોગ કરે છે. ભદ્ર સમાજની મહિલાઓનું બગીચામાં બેસવા કે ફરવા માટે જવું દુસ્વર બની ગયું છે. નગર પાલિકા દ્વારા બગીચામાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાથી અહીં તોફાની તત્વોને મોકળું મેદાન મળી જતા આજે વહેલી સવારે બગીચામાં તોડફોડ કરવામાં આવી હતી. ગત રાત્રે 11 વાગ્યા પછી બગીચો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે અહીં કોઈ નુકશાન કરવામાં આવ્યું ન હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા હતા. વહેલી સવારે પાલિકા દ્વારા 6 વાગ્યે બગીચો ખોલવામાં આવ્યો. ત્યારે કેટલાક અસામાજિક તત્વો બગીચામાં ઘુસ્યા હતા અને લોકોને બેસવા માટે મુકવામાં આવેલા બાંકડાઓ ઊંધા વાળી તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હોવાનું જોવા મળતા આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આવા તોફાનીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.