હાલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 11 વર્ષના કિશોરે સારવાર દરમિયાન દમ તોડ્યો : શર્પદંશથી મોતની આશંકા

હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા અને ધોરણ છમાં અભ્યાસ કરતા 11 વર્ષના એક કિશોરને ચક્કર આવતા તેને સારવાર માટે હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ લથડતા તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ કિશોરને ઓક્સિજન આપી બચાવવાનો પ્રયત્ન કરવા છતાં તેનું મોત નીપજ્યું છે.

હાલોલના તરખંડા ગામે રહેતા અને ધોરણ છમાં અભ્યાસ કરતા કિશોર રઘુ અર્જુનભાઈ ચાવડાને આજે સવારે ચક્કર આવતા તેને સારવાર માટે હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. કિશોરને હાથમાં કોઈ ઝેરી જનાવરે દંશ મારવાથી સોજો આવી ગયેલો હોવાનું જણાઈ આવતા ખાનગી હોસ્પિટલમાંથી તેની વધુ તબિયત લથડતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખૂબ જ નાજુક સ્થિતિમાં આવેલા કિશોરને બચાવવા માટે હાલોલ સરકારી હોસ્પિટલના તબીબોએ તેને ઓક્સિજન આપી સારવાર શરૂ કરી હતી, પરંતુ ચાલુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. કિશોરના મૃત્યુ પાછળનું સાચું કારણ તબીબો પણ જાણી શક્યા નથી, બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. મૃત યુવકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે ત્યાર પછી જ તેના મોતનું અચાનક મોતનું કારણ જાણી શકાય તેમ છે. અર્જુનભાઈ ચાવડાને સંતાનમાં બે દીકરાઓ હતા, તે પૈકી રઘુ તેમનો નાનો દીકરો હતો, જેના અચાનક મોતથી પરિવાર શોકાતુર બન્યો છે.