હાલોલ ખાનગી સરસ્વતી શાળામાં મેનેજમેન્ટ સંભાળતા સરકારી શિક્ષકોએ જીલ્લા પ્રા.શિક્ષણ વિભાગની તપાસથી બચવા ખાનગી શાળાના સીસી ટીવી ફુટેઝ ડીલીટ કર્યા

  • પ્રા.શિક્ષણાધિકારી ટીમ સરસ્વતી શાળાના સીસી ટીવી ચેક કરવા પહોંચી ત્યારે ફુટેઝ ડીલીટ મળ્યા.
  • સરકારી શાળાના શિક્ષકો ખાનગી શાળા સાથે વ્યવહારોને ગુપ્ત રાખીને કાર્યવાહી થી બચશે ? કે બચાવાશે ?

ગોધરા,

હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાના બે શિક્ષકો સરકારી નોકરી કરતા હોવા છતાં હાલોલની સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હોય અને પોતાની સરકારી ફરજ પ્રત્યે બેદરકારી સાથે ફરજવાળી સરકારી શાળાના બાળકોના અભ્યાસમાં રૂચી નહિ રાખતાં બાળકોના અભ્યાસને અંધકારમય બનાવી ખાનગી શાળાના મેનેજમેન્ટની કામગીરી થકી વધારાની આવક કરતા હોય આ બાબતે જીલ્લા શિક્ષણ વિભાગમાં અનેક રજુઆતો બાદ જીલ્લાના દૈનિક અખબારના અહેવાલના આધારે ગાંધીનગર પ્રા.શિક્ષણ વિભાગ અને જીલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બન્ને શિક્ષકોની ફરજવાળી સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાના નિવેદનો લેવામાં આવ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી અને ટીમ દ્વારા લેવામાં આવેલ નિવેદનોમાં બન્ને શિક્ષકોએ પોતે ખાનગી શાળા સાથે કોઈ વ્યવહાર ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જેને આધારે માત્ર શિક્ષણ વિભાગ દેખાવ પુરતી કામગીરી કરીને મામલો રફેદફે કરવાની વેતરણ કરાઈ હતી.

હાલોલ ખાતે આવેલ સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા સરકારી પ્રા.શાળાના શિક્ષકો ગુણવંત પટેલ અને વિરેન જોષીની શિક્ષણાધિકારી અને ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ તપાસ થતાં નિશ્ર્ચત બન્યા હતા પરંતુ બન્ને શિક્ષકો એ ભુલી ગયા કે તા.26/10/2022ના રોજ લાભ પાંચમના દિવસે હાલોલની ખાનગી સરસ્વતી સ્કુલ ખાતે પોતાના મેનેજમેન્ટના ધંધા માટે શાળાના ટ્રસ્ટી અને આચાર્યની હાજરીમાં ધંધાનું મુર્હત કર્યું હતું. આ મુર્હતમાં બન્ને સરકારી શિક્ષકોની હાજરી શાળાના સીસી ટીવી માંથી મળી આવે તેમ હોય તેવા અહેવાલ પ્રસિદ્ધ કરતાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ સાથે સરસ્વતી સ્કુલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે શાળા માંથી 26/10/2022ના રોજના સીસી ટીવી ફુટેજ મળી આવ્યા ન હતા. બન્ને શિક્ષકો દ્વારા ભવિષ્યમાં સીસી ટીવી ચેક થવાની સંભાવતા અથવા અખબારના પ્રસિદ્ધ થયેલ અહેવાલથી ધ્યાનમાં આવતાં સીસી ટીવી ફુટેજ ડીલેટ કરી દેવામાં આવ્યા. બન્ને શિક્ષકો તપાસ અને કાયદેસર કાર્યવાહી માંથી બચવા હયાતીયા મારી રહ્યા છે. ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી આ શિક્ષકો સામે કરે છે. તેની ઉ5ર સૌથી મીંટ મંડાઈ છે.