હાલોલ પાવાગઢ રોડ પર 73એએની જમીનમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા બાંધકમો તોડીપાડવાની સામે મહેસુલ વિભાગમાં કરાયેલ મનાઇ અરજી ના મંજુર

હાલોલ પાવાગઢ રોડ પર 73એએની જમીનમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા બાંધકમો સામે કલેક્ટરે લાલઆંખ કરી જમીન શ્રી સરકાર કરી હતી. જેની સામે અરજદારો દ્વારા મહેસુલ વિભાગમાં રજુ કરેલી મનાઇ અરજી ના મંજુર કરી હતી.

પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ સર્વે નં.534/1 આદિવાસીની 73 AA અવિભાજ્ય નવી શરતની જમીન ઉપર અનઅધિકૃત રીતે ભોગવટો કર્યો હતો. 9 અરજદારોએ આદિવાસીની જમીન હોવા છતાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદે વેચાણ વ્યવહાર કર્યા હતા. બિન ખેતીની પરવાનગી મેળવ્યા વગર અનઅધિકૃત બાંધકામો કરી પાલિકા સાથે મિલીભગત કરી પાલિકાની આકારણી કરાવી જમીન પર કંચનકૃપા સોસાયટીના નામે પ્લોટ પાડી દુકાનો કોમ્પ્લેક્ષ ઉભા કરી વેચાણ કરી સરકારને લાખો રૂપિયાનુ નુકશાન કરેલું હોઈ હાલોલ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા શરત ભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય સહ દરખાસ્ત કલેકટરને રજૂ કરાઈ હતી. અંતે કલકટરે જમીન શ્રી સરકાર કરવાના હુકમ સાથે જમીન પર થયેલ ગેરકાયદે બાંધકામો સ્થાનિક વહીવટીતંત્ર સહિત પાલિકાએ 20 દિવસમાં જમીન પર અનઅધિકૃત રીતે ભોગવટો કરનાર શેઠ ગૌતમકુમાર ઇંદ્રવદન, સોની હેમલકુમાર, સોલંકી શક્તિસિંહ, સોલંકી ઉર્વશીબેન, કડીવાલા નદીમ આસિક, ઘાચી હોટલવાલા ફરીદાબેન શરીફ, લીલાબેન વિજયસિંહ ખાટ, પઠાણ સલમાન તથા પટેલ શીતલભાઈ ભાઈલા ભાઈની સંક્ષિપ્ત હકાલપટ્ટી કરી અનઅધિકૃત બાંધકામોને દુર કરીને તમામ ખર્ચ ઉપરોક્ત લોકો પાસેથી વસુલ કરવા હુકમ કરાયો હતો. કલેકટરના હુકમ સામે તમામ કબજેદારોએ રાજ્ય મહેસુલ વિભાગમાં ફેર તપાસ અરજી અને મનાઈ અરજી રજૂ કરાઇ હતી. જે અંગેનો કેસ ચાલી જતા બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદામાં મહત્વના મુદા ટાંકી મનાઇ હુકમની અરજી રદ કરતા સરકારી તંત્રને હવે જમીન પર થયેલ અનધિકૃત બાંધકામો દૂર કરવાનો રસ્તો સરળ બન્યો છે.

અરજદારોનો પ્રાયમાફેસી કેસ જણાતો નથી 73AA નિયંત્રિત સત્તા પ્રકારની જમીનનો પૂર્વ પરવાનગી વિના કબજેદાર સિવાયના ઈસમોએ ઉપયોગ કરેલ હોવાથી જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65 અને 73/AA ના ભંગ બદલ કાર્યવાહી કરેલ છે. જેથી અરજદારોનો પ્રાયમાફેસી કેસ જણાતો નથી. કોઈ પણ પ્રકારની મંજુરીઓ લીધા વિના જમીન તબદીલ કરી બિનખેતીનો ઉપયોગ, વાણિજ્યક ઉપયોગ જોતાં કાયદાનો પ્રાથમિક દ્રષ્ટીએ જ ખુલ્લે આમ ભંગ થતો હોવાનું જણાતુ હોય ત્યારે બેલેન્સ ઓફ કન્વીનિયન્સ પણ તેઓની તરફેણમાં જણાતું ન હોવાની હકીકત ધ્યાને લેતાં અરજદારોની મનાઈ હુકમની અરજી નામંજુર કરવામાં આવી છે.