હાલોલ,
હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા આજે વિશ્ર્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્ર્વકર્મા ભગવાનની જયંતીની કરવામાં આવેલી ઉજવણીમાં ભગવાનની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગર મધ્યે આવેલા તળાવ પાસે ર્માં ચામુંડાના મંદિરે કરવામાં આવેલી પૂજામાં મોટી સંખ્યામાં વિશ્ર્વકર્મા ભગવાનના પૂજકો જોડાયા હતા.
મહા સુદ તેરસના પાવન દિવસે ઉજવાતા વિશ્ર્વકર્મા જયંતીનો ઉત્સવ હાલોલ શહેરના પંચાલ સમાજે પણ ધામધૂમથી ઉજવ્યો હતો. નગરમાં છેલ્લા 16 વર્ષથી ઉજવવામાં આવતી ભગવાન વિશ્ર્વકર્માની જયંતીની ચાલુ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ શહેરની મધ્યે આવેલા તળાવ કિનારે આવેલા અને પંચાલ સમાજની કુળદેવી મા ચામુંડાના મંદિરે કરવામાં આવેલી ઉજવણીમાં સવારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભગવાન વિશ્ર્વકર્માના પૂજકો જોડાયા હતા. સવારે યજમાન દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવી હતી અને બપોરે પૂજા બાદ ભગવાનની શોભાયાત્રા નગરમાં ફરી હતી.
ભગવાન વિશ્ર્વકર્માને વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા માનવામાં આવે છે. ત્યારે પંચાલ સહિત રચરચીલાનું કામ કરતા સુથાર સહિત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા અનેક લોકો ભગવાન વિશ્ર્વકર્માની આજના દિવસે પૂજા કરતા હોય છે. આજે હાલોલના પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમજ ધામધૂમથી ભગવાનની પૂજા કરી શોભાયાત્રા કાઢી હતી. સાંજે વિશ્ર્વકર્મા પૂજકો સાથે મહાપ્રસાદી લેશે. ભગવાનના ગુણગાન અને ભજનો સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. નગર આ નીકળેલી શોભાયાત્રા પુન: ચામુંડા માતાજીના મંદિરે પધારી હતી.