હાલોલ પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનુ વીજ કનેકશન કપાતા અંધારપાટ

હાલોલ,

હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ નગરની સ્ટ્રીટ લાઈટનુ વીજ બિલ ન ભરતા વીજ કંપની દ્વારા નગરના 129 કનેકશન પૈકીના 11 વિસ્તારોનુ છેલ્લા ત્રણ દિવસથી કનેકશન કાપી નાંખતા આ વિસ્તારોમાં અંધારપાટ છવાઈ ગયો છે. જેને લઈ આ વિસ્તારના રહિશો દ્વારા નગરપાલિકાના અંધેર વહીવટ કર્તા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે.

હાલોલ નગર ખાતે નગરમાં કુલ 129 વીજ કનેકશન વીજ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારમાં આપેલ છે. જેમાંથી નગરના દરેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ચાલે છે. પરંતુ છેલ્લા ધણા સમયથી હાલોલ નગરપાલિકા દ્વારા વીજ કંપની એમજીવીસીએલ બિલ 7132 લાખ બાકી પડતુ હોવાથી વીજ કંપની દ્વારા વીજ બિલ ભરી જવા પાલિકાને તાકેદ કરવા મોૈખિક નોટિસ આપી જાણ કરવા છતાં પાલિકા સત્તાધિશોના પેટનુ પાણી હાલતુ નથી. અંતે વીજ કંપની નાછુટકે હાલોલ નગરના 11 વિસ્તારનુ વીજ કનેકશન કાપી નાંખવામાં આવતા આ તમામ વિસ્તારોમાં અંધારપાટ છવાઈ ગયો છે. પ્રથમ દિવસોમાં આ વિસ્તારોના રહિશોને લાગ્યુ કે કોઈ કારણોસર અથવા કોઈ ક્ષતિ હોવાને લીધે લાઈટ બંધ રહ્યુ હશે. પરંતુ વધુ સમય લાઈટ બંધ રહેતા આ વિસ્તારોના રહિશોની ફરિયાદો કરવામાં આવતા ખબર પડી હતી કે, નગરપાલિકાના અંધેર વહીવટને લઈ છેલ્લા ધણા સમયથી લાઈટ બિલ ભર્યુ જ નથી તેને કારણે વીજ કંપનીએ આ વિસ્તારોનુ લાઈટ કાપી નાંખ્યુ છે. જેને કારણે આ વિસ્તારના રહિશો દ્વારા આવા અંધેર વહીવટકર્તા નગરપાલિકાના સત્તાધિશો સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આ બાબતે વીજ કંપનીને આધારભુત અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, વાત સાચી છે કે પાલિકા દ્વારા અમારી કંપની દ્વારા વખતો વખત જાણ કરી હોવા છતાં વીજ બિલના નાણાં ભરપાઈ ન કરતા અમોએ ના છુટકે નગરના 129 વીજ કનેકશનો પૈકી 11 વિસ્તારોના 11 કનેકશન કાપી નાંખ્યા છે. ફેબ્રુઆરી 2023 સુધી સ્ટ્રીટલાઈટની 71.32 લાખ જેટલી માતબર રકમ બાકી પડે છે. જે પૈકી 1લી માર્ચે 5.5 લાખ રકમ જમાં કરાવી હતી. તેવી જ આજની તારીખે અંદાજિત 1.28 કરોડ જેટલી માતબર રકમ વીજ બિલની બાકી પડે છે.