- વહીવટી મંજૂરી વગર મોટું બે મજલી શોપિંગ સેન્ટર ઉભું કરી દુકાનો વહેંચી લઈ અન્યોને પધરાવી દેવાયા હોવાના આક્ષેપો
- હાલોલના એક જાગૃત નાગરિકે RTI કરતા શહેરની મધ્યે ઊભેલું આ બિલ્ડીંગ વિવાદમાં આવ્યું.
- બે માળનું શોપિંગ સેન્ટર બનાવી 15થી વધારે દુકાનો પધરાવી દેવામાં આવી હોવાં આક્ષેપો
હાલોલ નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં ફરતા ઢોરો આડે દિવસે નગરજનોને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી રહ્યા છે. તેવામાં હાલોલ નગરમાં વર્ષો પહેલા રખડતા ઢોરને પકડી પાડી ડબ્બામાં પુરાવાની કામગીરી કરવામાં આવતી હતી. આ ઢોરના ડબ્બાની જગ્યાએ પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ સત્તાધીશો સાથે મિલીભગત કરી કોઈપણ જાતની તાંત્રિક કે વહીવટી મંજૂરી વગર મોટું બે મજલી શોપિંગ સેન્ટર ઉભું કરી દુકાનો વહેંચી લઈ અન્યોને પધરાવી દેવાયા હોવાના આક્ષેપો હાલોલના એક જાગૃત નાગરિકે કરતા શહેરની મધ્યે ઊભેલું આ બિલ્ડીંગ વિવાદમાં આવ્યું છે.
હાલોલ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ સામે પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા હાલોલ શહેરના જાગૃત નાગરિકે શહેરમાં આવેલો વર્ષો જૂનો ઢોરો પકડીને રાખવા માટેના ઢોર ડબ્બાની જગ્યા ઉપર બનાવી દેવામાં આવેલી દુકાનો અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા શહેરની વચ્ચે ગાંધીચોકમાં આવેલું બે માળનું શોપિંગ સેન્ટર વિવાદમાં આવ્યું છે. શહેરના સીટી સર્વે નંબર – 1472,1473,1474 ઉપર આવેલા વર્ષો જુના ઢોર પુરવા માટેના ડબ્બાની જમીન ઉપર ભૂતકાળમાં પાલિકાની સત્તા ઉપર બેઠેલા પદાધિકારીઓએ વહીવટી તંત્ર સાથે સાંઠગાંઠ કરી કોઈપણ જાતની તાંત્રિક કે વહીવટી મંજૂરી વગર અહીં બે માળનું શોપિંગ સેન્ટર બનાવી 15થી વધારે દુકાનો પધરાવી દેવામાં આવી હોવાં આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરજદાર ગોપાલદાસ જીવનલાલ શાહે નગરપાલિકા પાસે આ જમીન ઉપર બાંધકામ કરવા માટે જે તે સમયે કરવામાં આવેલી પ્રક્રિયા સહિતની વિગતો જાહેર માહિતી અધિકાર હેઠળ માંગતા ભારે વિવાદ ઉભો થયો છે. અરજદાર જણાવી રહ્યા છે કે હાલ સીટી સર્વે નંબરમાં આ જમીન ઉપર આજે પણ ઢોર ડબ્બો બોલી રહ્યો છે અને જે શોપિંગ સેન્ટર બનાવી દુકાનો પાડવામાં આવી હતી તે ભાડે આપેલી છે ? કે વેચાણ આપેલી છે ? વેચાણ આપી તો દસ્તાવેજ કોને કરાવી આપ્યો? આ આખી બિલ્ડીંગની પાલિકામાં આકારણી કરવામાં આવી છે કે કેમ ? અરજદારે તમામ સવાલોના જવાબો માટે માંગણી કરી છે.અરજદાર આ આખું શોપિંગ સેન્ટર ગેરકાયદે બનાવવમાં આવ્યું હોવાના અને તમામ દુકાનો જે તે સમયે પાલિકાના સત્તાધીશોએ લોકોને વેચી દઈ સરકારી મિલકતના બરોબર સોદા કરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર ઊંડાણપૂર્વકની તપાસ કરે અને અહીં પુનઃ ઢોર ડબ્બાનું નિર્માણ કરાવે તેવી માગ પણ કરી છે.