હાલોલ,હાલોલ નગર ખાતે ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલોલ નગરપાલિકાનુ તંત્ર દ્વારા ગોધરા રોડ પર ફુટપાટો પર થયેલા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતર્ગત ફુટપાથ પર થયેલા પથારાઓ હટાવવામાં આવ્યા હતા.
હાલોલ નગરમાં ઠેર ઠેર ઉભા થયેલા દબાણોને કારણે અનેક લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. હાલોલ નગરપાલિકામાં ચુંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પુરી થતાં જ વહીવટદારની નિમણુંક થઈ છે. ચીફ ઓફિસર તરીકે નવા અધિકારી આવતા પાલિકાનો વહીવટ સુધરી રહ્યો છે. હાલોલ નગરના ગોધરા રોડ ઉપર મોટાપ્રમાણમાં વૃક્ષો કાપીને રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલી ફુટપાથ ઉપર ઠેર ઠેર વ્યાપક પ્રમાણમાં દબાણો ઉભા થઈ જતા નગરના એક સિનીયર સિટીઝન ગ્રુપે આ દબાણો હટાવી ફુટપાથ ખુલ્લો કરાવવા અરજી આપતા ચીફ ઓફિસરે ગોધરા રોડની ફુટપાથ ખુલ્લી કરાવવા ટીમને કામે લગાડી હતી. દબાણો દુર કરવામાં આવ્યા હતા. હાલોલ નગર ખાતે આ પ્રકારના દબાણો તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનુ તંત્ર આ તમામ ગેરકાયદે દબાણો તાત્કાલિક અસરથી હટાવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે. ગોધરા રોડ ઉપર સુલભશોૈચાલયની આગળ છેલ્લા અનેક વર્ષોથી ફુટપાથ ઉપર કબ્જો કરી લોખંડની એંગલો લગાવી મસમોટુ દબાણ કરી દુકાનો બનાવી દેવામાં આવી હતી. જેને આજે પાલિકા દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવતા નગરજનો પાલિકાના નવા અધિકારીની કામગીરીથી ખુશ થયા હતા.