હાલોલ,હાલોલ ફલાનગરની નફીસાબેનના લગ્ન તા.15 જુન 2021ના રોજ તાલીબખાન રસીદખાન બેલીમ સાથે થયા હતા. નફીસા દ્વારા તેના પતિ, સાસુ, નણંદ, મોટી સાસુ સામે ધરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12 તેમજ ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 125 અન્વયે ભરણ પોષણનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, લગ્નના એક માસ સુધી સારૂ રાખી બાદ પતિ અને સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હોવાની અરજી કર્યાના 4 મહિના બાદ મને ધરમાંથી કાઢી મુકી હતી. મકાન જાયદાતમાં હકક, શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ 5 લાખનુ વળતર માસિક 15 હજાર ખર્ચની માંગણી અંગેની અરજી કોર્ટમાં વકીલ મારફતે દાખલ કરાઈ હતી. કોર્ટમાં કેસ ચાલતા આરોપગ્રસ્ત પરિવાર તરફે વકીલ અફસર એ.દિવાન હાજર રહ્યા હતા.
કોર્ટમાં બંને પક્ષે દલીલો પુરાવા રજુ કર્યા બાદ એડિ.જયુડિ.કોર્ટ જજ સી.જે.પટેલે નફીસા તાલીબખાનની બંને અરજી ના મંજુર કરી ચુકાદામાં ટાંકયુ હતુ કે, અરજદારે હકીકત રેકર્ડ પર પુરવામાં કરવામાં નિષ્ફળ નીવડેલ છે.સામાવાળા તેણી સાથે કોઈ ધરેલુ હિંસાનુ કૃત્ય આચરલ છે. એનાથી ઉલ્ટુ અરજદારને પોતાને જ સામેવાળા સાથે રહેવુ ન હોય પૈસા લઈને પતિ સાથે છુટાછેડા લેવાના ઈરાદાથી એટલે કે સામવાળાને હેરાન-પરેશાન કરવાના એકમાત્ર ઈરાદાથી જ હાલની અરજી લઈને આવેલ છે. કોર્ટે વધુ ટાંકી બંનેના લગ્ન પ્રેમલગ્ન હોવાના અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ 5/6 વર્ષ જેટલો લાંબા સમય માટે રહેલો હોવાનો અરજદારે ઉલટ તપાસમાં સ્વિકાર કરેલો છે. તેઓ બંનેના લગ્ન અરજદારના માતા-પિતાની નારાજગી હોવા છતાં થયેલા હોવાનુ પણ અરજદારે સ્વિકાર કરેલ છે. જેથી લાંબા સમયગાળાના પ્રેમ સંબંધ બાદ સામાવાળા કોઈપણ જાતના કારણ વિના ફકત એક જ મહિનામાં અરજદારને ત્રાસ આપવાનુ શરૂ કરી દે તે વાત પણ સહેલાઈથી માની શકાય તેવી નથી. સાથે કોર્ટે પરિણીતા દ્વારા કરાયેલ બંને અરજીઓ ના મંજુર કરી હતી. કોર્ટે તમામ દલીલો પુરાવા તપાસ્યા બાદ ચુકાદો આપ્યો હતો.