- ગોધરાથી અને વડોદરાથી હાલોલ પ્રવેશતા માર્ગના ખખડધજ માર્ગો એટલે અભિમન્યુના સાત કોઠા.
- ધોવાણગ્રસ્ત રસ્તાઓની મરામત કરાતી નથી.
- શાકમાર્કેટ સહિત અને વિસ્તારોમાં દિવસોથી ગંદકીની ભરમાર.
- એકમોમાંથી વછુટતી ઝેરી વાયુઓની સાથોસાથ ઘર આંગણે કે રસ્તાઓની ગંદકીથી લોકો ત્રસ્ત.
- હાલોલ નગરપાલિકા રસ્તા અને સફાઈ બાબતે ઉદાસીન.
- યાત્રાધામ પાવાગઢ આવતા યાત્રિકો અને જી.આઈ.ડી.સી.ની મુલાકાત લેતા ઉચ્ચ અધિકારીઓના મનમાં લઈને જવાતી વિપરીત છાપ.
- હાલોલ નગરપાલિકા તો બ્હેરી અને પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર પણ ચૂપ.
ગોધરા,
એકપણ એક પંચમહાલ જીલ્લાની સ્થાનિક નગરપાલિકા અને તેની સંલગ્ન પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર કચેરી વડોદરા સાથેના સહિયારા અણધડ વહિવટના નમૂના બહાર આવીને આજે હાલોલ નગરપાલિકાના વિસ્તારોમાં ઠેરઠેર બિસ્માર રસ્તાઓ તથા ગંદકીના ઢગ ઘણી ચાડી ખાઈ જાય છે. રાજ્ય સરકારના મંત્રી તથા ભાજપા સત્તાધીશો લોકોની મુશ્કેલીઓ બાબતે કેમ ચૂપ છે ? તેવા વેધક પ્રશ્ર્નો વચ્ચે ઉચ્ચ કચેરી વડોદરા પણ મૂંગી બેઠી છે.
ગોધરાના રસ્તાઓ તો કાલોલ નગરપાલિકા વિસ્તારની ગંદકી બાબતે બંને નગરપાલિકા દ્વારા કામગીરી શૂન્ય તૂલ્ય જણાય છે. કાલોલ નગરના જુદા જુદા વિસ્તારમાં તો જ્યાં પગ મૂકો ત્યાં ગંદકીના ઢગલા જોવા મળતા કાલોલ નહી પણ એક ગંદકીમાં નગર વસેલુ હોવાના દ્દશ્યો સરેરામ છે. બન્ને વિસ્તામાં ભાજપ શાસીત તંત્ર છે. હવે વારો હાલોલ નગરનો આવે છે. ગોધરા પછી જીલ્લામાં બીજા ક્રમે હાલોલ પાલિકામાં રસ્તા અને ગંદકીનો સવાલ માઝા મૂકી રહ્યો છે. આવકની દ્દષ્ટિએ પણ હાલોલ પાલિકા સધ્ધર ગણવામાં આવીને સરકાર દ્વારા પણ સૌથી વધુ પ્રમાણમાં ગ્રાન્ટ મેળવવામાં સફળ રહે છે. યાત્રાધામ પાવાગઢ નજીક અને જી.આઈ.ડી.સી.માં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યારે જીલ્લા બહારથી અનેક મુલાકાતીઓ તથા યાત્રિકો અહીંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં અવરજવર રહે છે. ત્યારે હાલોલની દુર્દશા જોતા નિ:સાસા વ્યકત કરી રહ્યા છે. નગરના વડોદરા થી હાલોલના પ્રવેશદ્વાર તથા ગોધરા થી હાલોલના પ્રદેશદ્વાર તથા આ બંને પ્રવેશદ્વાર તરફથી શહેરમાં પ્રવેશતાની સાથે ખાડાઓનું સામ્રાજય નજરે પડે છે.
ઉનાળાના કોરોના સમય દરમ્યાન હાલોલ નગરપાલિકા દ્વારા આ સર્જાયેલા ખાડા પૂરા કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ હતી કારણ કે માથે ચોમાસંું હોવાના કારણે વરસાદના લીધે રસ્તાનું ધોવાણ થઈ જવાની સંભાવનાઓ જે વ્યકત કરાઈ હતી. જે અક્ષર:સત્ય સાબિત થઈ છે. ચોમાસામાં સામગ્રીનું ધોવાણ થઈને અને આ રસ્તાઓ મહત્વના હોવાથી રાત-દિવસ ભારવાહક તથા અન્ય વાહનોની સતત અવરજવરને લીધે તૂટફૂટ હાલત સર્જાઈ હતી. આ તૂટફૂટ થયેલ રસ્તાઓની મરામત બાબતે નગરપાલિકા ભારે ઉદાસીનતા બનીને આજે કેડસમા ખાડા નિર્માણ પામ્યા છે. આ બિસ્માર બનેલા રસ્તાઓથી પસાર થવું એટલે વાહન ચાલકોને અભિમન્યુના સાત કોઠા વિંધવા સમાન કઠીન અનુભવાય છે. પહેલા ગણતરીના મિનિટોમાં આ રસ્તો પસાર કરનારને હવે અડધો કલાકનો સમય વેડફાય છે. સાથે ટ્રાફિક જામ પણ સર્જાતી રહે છે. હાલમાં અનેકવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી. પરિણામે મુશ્કેલી હાલોલના લોકો અનુભવે છે. તેવી રીતે બીજો સળગતો પ્રશ્ર્ન ગંદકીનો છે. શહેરની આંતરિક વિસ્તારોમાં પાલિકા દ્વારા ડસ્ટબીન તથા ક્ધટેનર મુકવામાં આવ્યા છે. આ સફાઈ માટે અગત્યનું સાધન ઊભા કરાયેલ તે શોભાના ગાંઠીયા સમાન ભાસે છે. કારણ કે દિવસો સુધી ભરાયેલ ક્ધટેરન કે ડસ્ટબીન ઉઠાવવામાં નહી આવતા રોજેરોજ તેમાં નંખાતા કચરાને લઈને ગંદકીથી ઊભરાઈને રસ્તા ઉપર રેલાતા જાય છે. જેમાં ગાંધીચોક સ્થિત માર્કેટ, પાવાગઢ રોડ, બસ સ્ટેન્ડ સામે કૃપાલુ હોસ્પિટલ પાસે, ગોરધન નગર, અલ્હાબાદ બેંકની સામે, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષના ઘરની સામે, દુર્ગા કોમ્પલેકસ, વી.એમ. હાઈસ્કુલ તથા બગીચાની બહાર ખાણીપીણીની લારીઓને લીધે રોજીંદા ગંદકીનું સામ્રાજય ખડકાયેલું રહે છે. આ વિસ્તારમાં નિયમિતપણે સાફસફાઈ હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે રોજેરોજ ગંદકી ફેલાતી જઈને અસહ્ય દુર્ગંધ પ્રસરતી જણાય છે. પહેલેથી જ જી.આઈ.ડી.સી.ના એકમોમાંથી છોડવામાં આવતાં ઝેરી વાયુઓની દુર્ગંધથી લોકો પરેશાન છે. તેમાંય આ ધર આંંગણે કે રસ્તા ઉપરથી પસાર થતીવેળા અસહ્ય દુર્ગંધ તે બંનેના ત્રસ્તથી લોકોના નાક ફાટી જાય તેમ છે.
આ ખડકાયેલી ગંદકીની સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકાના સત્તાધીશોને રજુઆત કરવા છતાં કેમ પગલાં લેવામાં આવતા નથી ? પાલિકા દ્વારા સફાઈ જેવી બાબતે આંખ આડા કાન કરવાના લીધે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં એકમોમાં કામ કરતો મજદૂર વર્ગ તથા ફેકટરીમાં કામ કરનાર કર્મચારી તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તોતીંગ વેરા પણ સમયસર ચુકવવામાં આવે છે. તો તેની સામે સફાઈ સુવિધા આપવામાં દુર્લક્ષતા સેવાઈ રહી હોવાથી ભારે નારાજગી અનુભવાઈ રહી છે. પાલિકા દ્વારા કામ નહી કરાતા છેવટે રાજયકક્ષાના મંત્રી એવા ધારાસભ્યને રજુઆતો કરાય છે. તેમ છતાં પાણીનું નામ ભૂ થઈ જાય છે. આવી લાચારજનક પરિસ્થિતીમાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર વડોદરાને ટપાલ મારફતે રજૂઆત કરવાની હિંમત દાખવાયેલી છે. પરંતુ દિવસો વિતવા છતાં હાલ હાલોલ નગરને સતાવતો રસ્તા અને ગંદકીના પ્રશ્ર્ન અંગે કોઈ ન્યાય મળ્યો નથી. નગરપાલિકા બાદ મંત્રી બાદ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને રજુઆતો બાદ પણ પ્રશ્ર્ન યથાવત રહીને લોકોની મુશ્કેલીનો અંત નહીં આવતા રજુઆતોનું સૂરસૂરીયુ થઈ જાય તો પ્રજાને શું સમજવું તે સમજાતું નથી. યાત્રાધામ પાવાગઢ આવતા અને જી.આઈ.ડી.સી.ની મુલાકાતે આવતા ઉચ્ચ ઓફિસરો આ બે પ્રશ્ર્ન નજરો નજર નિહાળીને પસાર થઈને હાલોલ નગરની છાપ મનમાં કંઈક અલગ લઈને જાય છે. અને લોકોને પણ હાલોલ નગરની દુર્દશા અંગે માહિતગાર કરવામાં આવે છે. ત્યારે હવે પાલિકા તો જાગૃત નથી. ત્યારે રાજયના મંત્રી એવા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર વડોદરા સ્થિત બિરાજમાન પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને ધોળા દહાડે ભરનિંદ્રામાં પોઢેલા હોઈ તેઓને પ્રશ્ર્ન નિકાલ માટે ઢંઢોળશે ખરા !!!!!!!! તેમ પ્રજા પૂછી રહી છે.