હાલોલ નગર પાલિકા સ્વચ્છતા માટે સજાક થાય તેવી લોક માંગ

હાલોલ,હાલોલ નગરના વડોદરા રોડ ઉપર બગીચાની સામે આવેલા માન સરોવર કોમ્પ્લેક્ષ માંથી ગંદકી અને કચરો સાફ કરીને રોડ ઉપર ઢગલો કરતા હાલોલ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જો બે દિવસમાં કચરો સાફ કરવામાં નહીં આવે તો રૂ.2,000નો દંડ વસૂલવા અને જો દંડ ન ભરવામાં આવે તો કોમ્પ્લેક્ષનું પ્રિમાઈસીસ સીલ કરવાની કાર્યકવાહી કરવા જણાવવામાં આવ્યું છે. હાલોલ શહેરના વડોદરા રોડ સ્થિત માનસરોવર કોમ્પ્લેક્ષ માંથી ગંદકી અને કચરો સાફસફાઈ કરાવી તેને કોમ્પ્લેક્ષ બહાર મુખ્ય જાહેર માર્ગ પાસે ઢગલાં કરી દેવામાં આવતા કોમ્પ્લેક્ષના નિમેશભાઈ મોદીને પાલિકા દ્વારા આજે નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવવમાં આવ્યું છે કે, જાહેરમાર્ગ પાસે ગંદકીના ઢગલાં કરવા ગુનો છે. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની પણ છે.

જો આ કચરાના ઢગલાં બે દિવસમાં હટાવી લેવામાં નહીં આવે તો પાલિકા દ્વારા રૂ.2000/- દંડનીય રકમ વસુલવામાં આવશે. માનસરોવર કોમ્પ્લેક્ષની બહાર શહેરના પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર કચરાના ઢગલાં કરી ગંદકી કરવામાં આવી હોવાથી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના વહીવટી તંત્રમાં અચાનક સ્વચ્છતા પ્રત્યે સજાગતા જાગી છે એ ખૂબ સારી બાબત છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં અને અનેક માર્ગોની બાજુમાં આના કરતાં પણ અત્યંત દુર્ગંધ મારતી ગંદકીના ઢગલા વારંવાર સફાઈ કરવા છતાં ઉભા થઇ જાય છે. તેની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. શહેરના શાકમાર્કેટમાં સવારમાં અને સાંજે ઉભરાતી ગટરોના ગંધાતા પાણી આખા શાકમાર્કેટમાં ફરી વળતાં કેટલીક જગ્યાઓ એ ફેંકવામાં આવેલા નકામા સળી ગયેલા શાકભાજીનો કચરો અત્યંત દુર્ગંધ મારતા હોય છે. છતાં પાલિકા દ્વારા ત્યાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.