
હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલી જ્યોતિ નગર સોસાયટીના રોડ ઉપર આવેલા મકાનોના દબાનો તોડવાની કામગીરી હાલોલ પાલિકા દ્વારા કરવામાં આવી હતી. રાત્રી બજારની પાછળ આવેલી જ્યોતિ નગર સોસાયટીમાં કરવામાં આવેલા કેટલાક બાંધકામો દબાણ કરી ઊભા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે પાછળ આવેલી અનેક સોસાયટીઓના રહીશોને અવર જવર માટે તકલીફ ઊભી થઈ રહી હોવાની વારંવારની રજૂઆતને પગલે આજે હાલોલ નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર કરવામાં આવેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
હાલોલ નગરપાલિકા વિસ્તારની જ્યોતિ નગર સોસાયટીની પાછળ આવેલી મંગલમૂર્તિ સોસાયટી, સાઈનાથ સોસાયટી, સહિત અન્ય પાંચેક જેટલી સોસાયટીઓ બની જતા આ સોસાયટીઓના રહીશો માટેનો એકમાત્ર માર્ગ કે જે હાલોલ કંજરી રોડ ઉપર આવેલા રાત્રિ બજારની બાજુમાંથી નીકળે છે, જે માર્ગ ઉપર રાત્રિ બજારની પાછળ આવેલા જ્યોતિનગર સોસાયટીમાં 15 જેટલા મકાનોના બાંધકામ રોડ ઉપર દબાણ કરી ઉભા કરી દેવામાં આવ્યા હોય અહીં માર્ગ સાંકડો થઈ જતા વાહનો લઈને જવાની સમસ્યા ઊભી થતી હતી.જ્યોતિ નગરની પાછળ સાતેક જેટલી નવી સોસાયટીઓના બાંધકામ થતા ત્યાંના રહીશો દ્વારા આ સાંકડા રસ્તાને પહોળો કરવા માટે અને ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવતા આજે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે પાલિકાની બાંધકામ શાખાના કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી 15 જેટલા મકાનોની બહાર લંબાવવામાં આવેલા ઓટલા અને કમ્પાઉન્ડ સહિતના બાંધકામો તોડી પાડ્યા હતા.હાલોલ નગરપાલિકા દ્વારા હાલ તમામ સોસાયટીઓના આંતરિક માર્ગોનું નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કેટલાક સ્થળે આ રોડ બનાવવાની કામગીરી ગેરકાયદેસર બાંધકામો તોડવાને લઈને અટકાવવામાં આવી છે. જ્યોતિનગરથી આગળનો ડામર માર્ગ પણ આ ગેરકાયદેસર બાંધકામોને કારણે અટકાવી દેવામાં આવ્યો હતો. આજે તમામ દબાણો તોડી પડાતા સાંકડો બનેલો માર્ગ પહોળો થઈ જતા અનેક લોકોને રાહત થઈ હતી. અને પાછળની સોસાયટીઓના રહીશોને નવા માર્ગની સુવિધા પણ મળશે.