હાલોલ નગર અને વડાતળાવની સરકારી દુકાનોમાં જીલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ કરી 15,451/-રૂપીયાનો અનાજનો જથ્થો સીઝ કર્યો

  • પુરવઠા અધિકારીની તપાસમાં બન્ને દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ.

હાલોલ, હાલોલ તાલુકાના વડાગામ અને હાલોલની સરકારી સસ્તા અનાજની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બન્ને સરકારી દુકાનો માંથી ગેરરીતિ ઝડપાઈ હતી. સરકારી દુકાનના સંચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમ દ્વારા હાલોલ તાલુકાની બે સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યુંં હતું. વડાતળાવ અનિલકુમાર સુભાષચંદ્ર શાહની સરકારી દુકાનમાં તપાસ દરમિયાન દુકાનમાં કોઈપણ પ્રકારના બોર્ડ લગાવેલ ન હતા. તેમજ અનાજના જથ્થાની તપાસમાં 3 કટ્ટા ચોખા અને 7 કટ્ટા ધઉં મળી 10 કટ્ટાની ધટ મળી હતી. જ્યારે મીઠાના 17 કટ્ટાની વધ મળી હતી.

જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાલોલમાં વી.સી.મકવાણાની સરકારી સસ્તા અનાજની દુકાનમાં ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમિયાન સરકારી દુકાનના સંચાલકના ભાઈ નટુભાઇ મકવાણાના ધરમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ 1 કટ્ટો ખાંડ, 1 કટ્ટો ચણા, 1 કટ્ટો તુવેરદાળ મળી આવ્યા હતા. આંમ હાલોલની 1 અને તાલુકાના વડાગામની બે સરકારી અનાજની દુકાનમાં તપાસ કરી 15,451/-રૂપીયાનો જથ્થો સીઝ કરી બન્ને સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.