હાલોલ, હાલોલના તુલસી વિલા અને ધવલ પાર્ક સોસાયટીની ત્રિભેટે આવેલ વિઠ્ઠલપુરા સર્વે નં.-155માં આવેલ સરકારી ખરાબાની પડતર જમીનમાં ગેરકાયદે ઉભુ કરાયેલ પાકુ મકાન પાલિકાએ તોડી પાડ્યુ હતુ. મકાનમાં રહેતા પરિવારજનોએ પોતાના રહેવાનો આશરો જતો રહ્યો હોવાનો વિલાપ કરી રોકળ મચાવી મુકી હતી. આ મકાનમાં રહેતા અને 1994ની વખતના નગર પાલિકાના પુર્વ સદસ્ય સોનીબેને પોતાના આ મકાન જે તે સમયે પાલિકા દ્વારા ઠરાવ કરીને આપ્યુ હોવાનો દાવો કર્યો હતો. જોકે પાલિકાના ચીફ ઓફિસર આવો કોઈ ઠરાવ કરવાની સત્તા પાલિકા પાસે કયારેય પણ ન હોવાની માહિતી આપી હતી. આ સરકારી ખરાબાની પડતર જમીનમાં કોઈની માલિકી હકક ન લાગતો હોવાની માહિતી આપી હતી. અગાઉ મામલતદાર મેહુલકુમાર ખાંટ દ્વારા સરકારી ખરાબાની પડતર જમીનમાં ગેરકાયદે ઉભુ કરાયેલ હોવાથી પરિવારને નોટિસ આપી મકાનો ખાલી કરવા જણાવ્યુ હતુ. બાદ પરિવાર દ્વારા મકાન જે તે હાલતમાં જ રખાતા આ મકાનને હાલોલ મામલતદાર દ્વારા સીલ કરાયુ હતુ. જે બાદ પોલીસ બંદોબસ્ત સાથે હાલોલ મામલતદાર અને ચીફ ઓફિસરની હાજરીમાં આ મકાન તોડી પાડવામાં આવ્યુ હતુ.