હાલોલના તરખંડામાં ખાતરની થેલી સાથે નેનો બોટલ બટકાડતા ખેડુતોમાં રોષ

હાલોલ તાલુકાના તરખંડા પંથકના ખેડુતોને વેપારીઓ દ્વારા બે-ત્રણ યુરિયા ખાતરની થેલી ખરીદી સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજીયાત પધરાવવામાં આવતા ખેડુતોમાં ભારે આક્રોશ સાથે રોષની લાગણી ફેલાઈ છે.

હાલોલ તાલુકાના તરખંડા વિસ્તારમાં આવેલા ગામડાઓના ખેડુતો ખેતી માટે જરૂરી ચીજ વસ્તુઓ તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હાલોલમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરે છે. એટલે હાલોલના વેપારીઓ અને ખેડુતો વચ્ચે ખરીદવા-વેચવાનો વ્યવહાર ચાલે છે ત્યારે હાલમાં ચોમાસુ પાકમાં નાંખવા માટે યુરિયા ખાતરની ખરીદી કરતા ખેડુતોને વેપારીઓ દ્વારા બે-ત્રણ યુરિયા ખાતરની થેલી સાથે ફરજીયાત એક નેનો યુરિયાની 225 રૂપિયાની બોટલ ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે.

જો નેનો યુરિયા બોટલ ખરીદવાની ખેડુત ના પાડે તો યુરિયા ખાતરની થેલી આપવામાં આવતી નહિ હોવાથી ખેડુતોમાં ભારે આક્રોશ વ્યકત કરી રહ્યા છે. રાસાયણિક ખાતરની દુકાન સરદાર ફર્ટીલાઈઝરમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા તરખંડા ગામના એક ખેડુત સાથે નેનો યુરિયાની ખરીદી બાબતે ગેરશિસ્તભર્યુ વર્તન કરવા સાથે ઉડાઉ અને ઉદ્ધત જવાબો આપતા જોવા અને સાંભળવા મળ્યુ છે.