હાલોલ,
હાલોલ તાલુકાના તરખંડા પંચાયત દ્વારા ગામના મહુડીવાળા ફળિયામાં આરસીસી રોડ બનાવવા માટે કોઈ ચોકકસ લેવલ નકકી કર્યા વિના આડેધડ કામગીરી શરૂ થઈ છે. આ રોડ કેટલા ફુટ ઉંચો કરવામાં આવશે તેવી ચર્ચાઓ સાથે પોતાના આંગણા નીચે થઈ જવાની આશંકાઓને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોમાસા દરમિયાન ફળિયામાં કોઈ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે ચોકકસ યોગ્ય લેવલથી રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
તરખંડા ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ ગુલાબસિંહ ચાવડા દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડની ગુણવત્તાયુકત કામગીરી કરવામાં આવેલ હોઈ રોડ આજદિન સુધી ટકી રહ્યો છે. પરંતુ હાલમાં વોર્ડ-1માં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ફળિયાના બંને લાઈનના મકાનોના ઓટલાઓનુ અને રોડનુ યોગ્ય ચોકકસ લેવલ નકકી કરવામાં આવ્યુ નથી. રોડ ઉપર રોડ બનાવવાથી રોડનુ લેવલ ઉંચુ થઈ જશે અને કેટલાક ધરના પગથિયા નીચા થશે ત્યારે વર્ષો જુના સીસી રોડને ઉખેડી નવેસરથી બનાવવામાં આવે તો ફળિયાના મકાનો અને રોડનુ યોગ્ય લેવલ પણ જળવાઈ રહે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલનો કોઈ પ્રશ્ર્ન પણ ઉભો ના થાય તે માટે યોગ્ય લેવલ નકકી કર્યા પછી જ રોડ બનાવાય તેમ રહિશો ઈચ્છી રહ્યા છે.