હાલોલના પાનેલાવ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત

હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલ ગામ તળાવમાં નાની માછલીઓ મોટા પ્રમાણમાં મરેલી જોવા મળી હતી.જેની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા તળાવમાં માછલીઓ મરવાની ધટનાને લઈ રોજકામ કરી પંચકયાસ કરી પાણીના નમુના લઈ તાલુકા લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.

પાનેલાવ ખાતે આવેલ ગામ તળાવમાં માછલીઓ મરેલી જોવા મળતા ગ્રામજનોના લોકટોળા તળાવ ખાતે ઉમટી પડ્યા હતા. તળાવ ખાતે તળાવના પાણીમાં મોટી માછલીઓ જીવિત જોવા મળી હતી અને નાની માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા બનાવ અંગે સ્થાનિક ગ્રામ પંચાયતના વહીવટકર્તાને જાણ કરાતા પંચાયતના તલાટી ધટના સ્થળે દોડી આવી બનાવને લઈ રોજકામ કરી પંચકયાસ કરી બનાવનો સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર હાલોલ, તેમજ પ્રાંત અધિકારી હાલોલને રિપોર્ટ સુપરત કર્યો હતો.

આ અંગે પ્રાથમિક તબકકે પંચાયતના રિપોર્ટમાં માછલીઓને મરવા અંગે કોઈ ચોકકસ કારણ જણાઈ આવેલ ન હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. માછલીઓના મરવા અંગેના જાણવા માટે તળાવના પાણીના નમુના લઈ તાલુકા લેબોરેટરી ખાતે મોકલ્યા હતા.