હાલોલના મોટી ઉભરવાન ગામે ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયેલ યુવકનું કરંટ લાગતાં મોત

હાલોલ,

હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા મોટી ઉભરવાન ગામે ખેતરમાં પાણી મુકવા માટે મોટર ચાલુ કરવા ગયેલા ખેડૂતના પુત્રનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ખેતીના વીજ જોડાણની લાઇનના બોર્ડ ઉપર મોટરની સ્વીચ ચાલુ કરવા ગયેલા ખેડૂત પુત્રને અચાનક તેમાંથી કરંટ લાગી ગયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પાવાગઢ પોલીસે યુવકના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવી પીએમ પ્રક્રિયા હાથ ધરી હતી.

હાલોલ તાલુકાના મોટી ઉભરવાન ગામે ગત સાંજે વીજ કરંટ લાગતાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ગામના ગૌચર ફળિયામાં રહેતા મોતીભાઈ રાઠવાના ખેતરમાં પાણી મુકવાનું હોવાથી તેઓનો 26 વર્ષનો પુત્ર વિક્રમ રાઠવા પાણીની મોટર ચાલુ કરવા માટે ગયો હતો. મધ્ય ગુજરાત વીજ કંપનીના ખેતીના વીજ જોડાણના મેઈન બોર્ડ ઉપરની સ્વીચ ચાલુ કરવા જતાં વિક્રમને વીજ કરંટ લાગતા તે જમીન ઉપર પટકાયો હતો. ઘરે બેઠેલી તેની માતા રાયલીબેને આ દ્રશ્ય જોતા બુમાં બુમ કરી હતી અને આસપાસના લોકો સ્થળ ઘટના પર દોડી આવ્યા હતા.

ઘટના સ્થળે તબીબે યુવકને મૃત જાહેર કર્યો વીજ કરંટ લાગતા વિક્રમના હાથ અને અડધું શરીર કાળું પડી ગયું હતું. ગામના લોકોએ તત્કાલિત 108 નંબર ઉપર ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તેમાં હાજર તબીબે વિક્રમને મૃત જાહેર કર્યો હતો. જે જાણી ખેડૂતના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. 26 વર્ષીય વિક્રમના લગ્ન એકાદ-2 વર્ષ પહેલાં જ સવાપુરા ગામે થયા હતા. ગામલોકોએ પાવાગઢ પોલીસ મથકમાં જાણ કરતા મોડી સાંજે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિક્રમના મૃતદેહને પીએમ માટે રાત્રે હાલોલ રેફરલ ખાતે લાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ખેતીના વીજ જોડાણોમાં દિવસે વીજ પુરવઠો આપવાની ચૂંટણી પહેલાની સરકારી જાહેરાત છતાં હજી ઘણા વિસ્તારોમાં રાત્રે વીજ પ્રવાહ આપવામાં આવી રહ્યો છે. દિવસે આપવામાં આવતી વીજળીમાં પણ ખેડૂતો જીવના જોખમે ખેતી કરતા હોય છે અને આવા અકસ્માતોમાં લોકો પોતાના વહાલસોયાને ગુમાવતા હોય છે. ત્યારે જે વિસ્તારોમાં રાત્રે વીજ પ્રવાહ આપવામાં આવે છે. તે ખેડૂતો કેવા જોખમો સાથે ખેતી કરતા હશે તે કલ્પના કરવી રહી. દિવસે આવા અકસ્માતો થાય છે તો રાત્રી અંધારામાં ખેતરોમાં પાણી મુકવા જતા ખેડૂતો માચીસ સળગાવી કે બેટરીના પ્રકાશે આજ કામ કરવા પડતા હોય છે. હાલોલના અનેક ગામડાઓમાં હજી ખેડૂતો દિવસે વીજળી મળે તેવી માગ કરી રહ્યા છે. મોટી ઉભરવાન ગામે બનેલી ઘટના પછી ખેડૂતોમાં ખેતીકામને લઈ ચિંતા ઉભી થઇ છે.