હાલોલ,હાલોલ તાલુકાના કંસારાવાવ ગામ નજીક કંકુની વાડી પાસે વેગનઆર કારે બાઈકને ટકકર મારતા બાઈક સવાર દંપતિ પૈકી પતિનુ મોત નીપજયું હતુ. જયારે પત્નિ અને 8 માસના બાળકને ઈજાઓ પહોંચી હતી.
હાલોલ તાલુકાના પંડોળ ગામે રહેતા જયેશભાઈ જશવંતભાઈ બારીયા પત્નિ સોનલબેન તથા 8 માસના દિકરાને બાઈક ઉપર બેસાડીને હાલોલ તાલુકાના કથોલા ગામે પોતાના સંબંધિને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા હતા. દરમિયાન પાવાગઢ શિવરાજપુર રોડ પર ધનકુવા ચોકડી પહેલા કંસારાવાવ ગામ પાસે આવેલી કંકુનીવાડી પાસેના મુખ્ય રોડ પર પુરઝડપે દોડી આવેલ વેગનઆર કારના ચાલકે રોડની રોંગ સાઈડે લઈ આવી જયેશભાઈની બાઈકને ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં સવાર જયેશભાઈ અને પત્નિ સોનલબેન સહિત 8 માસનો પુત્ર રોડ પર પટકાયા હતા. જેમાં જયેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સોનલબેન તથા 8 માસના પુત્રને નાની વત્તી ઈજાઓ પહોંચી હતી. જયારે કારનો ચાલક અકસ્માત સર્જી ધટના સ્થળે પોતાની કાર મુકી ભાગી ગયો હતો. અકસ્માતને પગલે આજુબાજુમાંથી લોકો ધટના સ્થળે દોડી આવી 108 મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને ખસેડાયા હતા. જયાં જયેશભાઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન જયેશભાઈનુ મોત નીપજયું હતુ.
બનાવ અંગે જયેશભાઈના સંબંધિ સુરેશભાઈ છત્રસિંહ બારીયાએ પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.