હાલોલ, હાલોલ નગરના કંજરી રોડનુ નવીનીકરણ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી મંથર ગતિએ કામ ચાલી રહ્યુ છે. તેમ છતાં હજુ આ રોડ સંપુર્ણ બન્યો નથી. તે પહેલા રોડ ઉપરની કપચી ઉખડી જતા કોન્ટ્રાકટર દ્વારા ઉખડી ગયેલી કપચીને ઢાંકવા કેટલીક જગ્યાએ કેમિકલ ચોપડી હલકીકક્ષાની કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.
હાલોલ નગરના કંજરી રોડ ચોકડીથી લઈ બાયપાસ ચોકડી સુધી સોળસો મીટર એટલે કે દોઢ કિ.મી.ઉપરાંતના રોડનુ નવીનીકરણ કરવા માટે સરકાર દ્વારા 6 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. આ રોડની બંને તરફ 7-7 મીટર તેમજ વચ્ચે એક મીટરનુ ડિવાઈડર બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહી છે. આ રોડ બનાવવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી મંથરગતિએ ચાલી રહી છે. આ રોડ હજુ સંપુર્ણપણે પુર્ણ થયો નથી. તે પહેલા નવો બનાવેલા સીસી રોડ પર કપચી પણ બહાર નીકળવા માંડી છે. તેમજ રોડ બનાવતી વખતે નાંખેલા સળિયા પણ કેટલીક જગ્યાએ દેખાવા લાગ્યા છે. આ અગાઉ થોડા દિવસ પહેલા રોડ ઉપર ઉખડી ગયેલી કપચી ઉપર ડામર પાથર્યો હતો. તેમ સફળતા ન મળતા કંજરી રોડ મામલતદાર કચેરીના સામે રોડના અમુક હિસ્સા ઉપર રોડ ઉપરની ઉધડી ગયેલી કપચી ઉપર કેમિકલ પાથરી રિપેરીંગ કરવામાં આવી રહ્યુ છે. આ અંગે માર્ગ મકાન પંચાયત હાલોલના સક્ષમ અધિકારી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે,કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવતી કામગીરી વખતે બેદરકારી દાખવી હોવાને લઈ નવા બનેલા રોડ ઉપર કપચી ઉધડવા માંડી છે. જેને લઈ કોન્ટ્રાકટર દ્વારા આ અમુક રોડના હિસ્સા ઉપર કેમિકલ પાથરી પ્રયોગ કરાઈ રહ્યો છે. આ કેમિકલથી માર્ગ પરથી કપચી નહિ ઉખડે અને રોડ ટકાઉ રહેશે તો આખા રોડ ઉપર આ કેમિકલ પાથરી રોડને ફરીથી સુધારશે તેમ જણાવ્યુ હતુ.