હાલોલના જેરાપુરા પેટ્રોલપંપ પર ડીઝલ અને પેટ્રોલમાં ગેરરિતી ઝડપાઈ

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટરે સપાટો બોલાવી હાલોલ તાલુકાના જેરાપુરા ગામે આવેલ શ્રી સાંઈ રામ પેટ્રોલપંપ ખાતે ગેરરિતી ઝડપી પાડી પેટ્રોલ અને ડિઝલનો કુલ 782 લીટરનો જથ્થો જપ્ત કરી પેટ્રોલપંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા એચ.ટી.મકવાણાની ટીમ તથા હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, મામલતદાર કચેરીની ટીમને સાથે રાખી જેરાપુરા ગામના હાઈવે પર આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લિ.સંચાલિત શ્રી સાંઈરામ પેટ્રોલપંપ પર દરોડો પાડ્યો હતો.જેમાં માલિક પરમાર કિરીટભાઈ ગણપતસિંહના પેટ્રોલપંપ પર ડિઝલ આઉટલેટ પરથી 5 લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરાતા 30 મિલીલીટર ઓછુ માપ આવેલુ હતુ. તેમજ પેટ્રોલની નોઝલ 1માં 35 મિલી નાઝલ-2 માં 30 મિલી તથા નોઝલ-3માં 30 મિલી માપ ઓછુ આવેલુ હતુ.

તેમજ ડીઝલ અને પેટ્રોલ ટાંકીની ફરતે ફેન્સિંગ તારની વાડ કરેલી નહિ હોવાથી સાથે અગ્નિશામક યંત્રો પણ નિયત સ્થળે મુકેલા ન હતા. જેમાં પેટ્રોલપંપના આઉટલેટ પરથી ડીઝલ અને પેટ્રોલપંપનો જથ્થો ઓછો આપતા હોવાની ગેરરિતી જિલ્લા અધિકારીએ રંગેહાથ ઝડપી પાડી હતી. જેમાં શ્રી સાંઈરામ પેટ્રોલપંપના માલિકે પંપ પરના આઉટલેટ પરથી પેટ્રોલ અને ડીઝલનો ઓછો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાંઈરામ પેટ્રોલપંપ ખાતેથી 245 લિટર ડીઝલનો જથ્થો રૂ.22,077 તથા 537 લીટર પેટ્રોલનો જથ્થો રૂ.50,714 જેમાં પેટ્રોલ અને ડીઝલ મળી કુલ 782 લીટરનો જથ્થો જેની રૂ.72,791નો ડીઝલ પેટ્રોલનો 10 ટકા જથ્થો નિયમ મુજબ જપ્ત કરી પેટ્રોલપંપના માલિક કિરીટભાઈ ગણપતભાઈ પરમાર સામે કાયદાકિય કાર્યવાહી કરી હતી.