હાલોલના આનંદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં કામ કરતા પરપ્રાંતિય દ્વારા પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરતા રોષ

  • -ગ્રામજનો દ્વારા લાકડાના ગોડાઉનમાં આગ લગાવાઈ

હાલોલ,

હાલોલ તાલુકાના આનંદપુરા નજીક શ્રમજીવી પરિવારની ગુમ થયેલ પાંચ વર્ષની બાળકી સાથે નજીકમાં આવેલ વિવાદીત લાકડાના ગોડાઉનમાં કામ કરતા પરપ્રાંતિય નરાધમે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી લાશને કોતરમાં ફેંકી દીધી હતી. બનાવની જાણ થતાં ઉશ્કેરાયેલા લોકોએ ત્રણ પરપ્રાંતિયોને માર મારી લાકડાના ગોડાઉનમાં આગ લગાડી દેતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. બાળકીના મૃતદેહ સહિત ત્રણ ઈજાગ્રસ્તોને હાલોલ સરકારી દવાખાને લાવી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. ધટનાના પગલે સ્થાન્કિ હાલોલ રૂરલ, જિલ્લા એલસીબી, એસઓજી, જિલ્લા એસ.પી.જયદ્રથસિંહ પરમાર ધટના સ્થળે દોડી આવ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ લગાવેલી આગ એટલી વિકરાળ હતી કે, હાલોલ-કાલોલ એમ.જી.મોટર્સ સહિત પાંચ ફાયર ફાયટરો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. દુષ્કર્મી આરોપી ભાગી જતાં ગોડાઉનમાં રહેતા 40 જેટલા ઈસમોને પુછપરછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જયારે પોલીસે આરોપીની શોધખોળ માટે તમામ સ્થળોએ નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી બીજી તરફ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.