હાલોલ, હાલોલ તાલુકાના અભેટવા ગામે ગત રાત્રે એક કાચા મકાન માં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ઘરમાં રહેલો તમામ સમાન આગમાં સ્વાહા થઈ જવા પામ્યો હતો. સદ્દનસીબે ઘરના પાંચ સભ્યો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાની જાણ ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા હાલોલ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખું ઘર આગમાં સ્વાહા થઈ ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલોલ તાલુકાના અભેટવા ગામે મહાકાળી ફળિયામાં રહેતા અને ખેતી કરી જીવન નિર્વાહ કરતા રંગીતભાઈ રાયસીંગભાઇ પરમાર ઉર્ફે કાળુભાઈના મકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. અચાનક આગ લાગતા ઘરમાં રાખેલો પશુઓ માટેનો ઘાસ ચારો સળગી ઉઠ્યો હતો અને જોત જોતામાં તમામ ઘરવખરી આગની ઝપટમાં આવી જતા ખેડૂતને ભારે નુકશાન થવા પામ્યું છે. આગ લાગવાની ઘટના દરમ્યાન ઘરમાં કાળુભાઇ અને તેમના બે દીકરા અને એક દીકરી સહિત તમામ લોકો પહેરેલા કપાળે બહાર દોડી આવતા કોઈ જાનહાની થઈ નથી. મકાનમાં આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જાણકારી નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. પતરાવાળા કાચા મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલી ઘરવખરી, કબાટ ટેબલ, ખુરશીઓ, તિજોરી, કપડાં તથા ઇલેક્ટ્રિક ઉપકરણો, અનાજ, રોકડ તમામ ચીજ વસ્તુઓ આગની ઝપટમાં આવી જતા સ્વાહા થઈ જતા ખેડૂતને ભારે નુકશાન થવા પામ્યું છે.