
હાલોલ રૂરલ પોલીસની હદમાં આવેલા બાસકા ગામ પાસેથી પંચમહાલ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની ખેપ ઝડપી પાડી છે. આઇસર ટેમ્પોમાં ચણાના ભુસાની બોરીઓની આડમાં સંતાડવામાં આવેલી એક હજાર પેટી વિસ્કી અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાનું હાલોલ વિદેશી દારૂની હેરફેર અને કટીંગ માટેનું એપી સેન્ટર બન્યું છે. અહીં છાસવારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સ્થાનિક પોલીસ, જિલ્લા એલસીબી અને વિજિલન્સ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે, છતાં એટલો જ વિદેશી દારૂ અહીં ઠલવાય છે અને અહીંથી કટિંગ કરવામાં આવી રહ્યો છે. પંચમહાલ જિલ્લા એલસીબીએ આવું જ એક કંસાઈનમેન્ટ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
હાલોલ રૂરલ પોલીસની હદમાં બાસ્ક ગામ નજીકથી આઇસર ટેમ્પોમાં ભરી ચણાના ભુસાની આડમાં પાઈલોટિંગ સાથે લઈ જવાતો બિયરનો જથ્થો ઝડપાઇ ગયો હતો. પોલીસે આઇસર ટેમ્પો માંથી ₹ 41 લાખ 85 હજાર 670ની કિંમતના 1000 નંગ વિસ્કી અને બિયર મળી આવ્યા હતા, જેમાં ₹ 28 લાખ 57 હજાર 750ના 24,850 નંગ વિસ્કીના કોટરીયા તેમજ ₹ 13 લાખ 27 હજાર 920ના 12,072 નંગ બિયરના ટીન સાથે પોલીસે આઇસર ટેમ્પો અને આ કંસાઇનમેન્ટ સાથે પાયલોટિંગ કરી રહેલી એક કાર સહિત કુલ 54 લાખ 52 હજાર 880 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.