હાલોલમાં લવ-મેરેજ કરેલાં દંપતીની નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ.

હાલોલ નગરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં વોર્ડ-2ના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર અને પુત્રવધૂએ વડોદરા રોડ ઉપર ખંડીવાળાની નર્મદા મુખ્ય કેનાલમાં પડતું મૂક્યું હતું. રાહદારીઓ દ્વારા પુત્રવધૂને બચાવી લેવામાં આવી છે, પરંતુ પુત્ર કેનાલના વહેતા પાણીમાં લાપત્તા થતાં તેની હાલોલ ફાયર ફાઇટરની ટીમે શોધખોળ આરંભી છે. બંને પતિ-પત્ની વહેલી સવારે ચાલતા ઘરેથી નીકળી ગયાં હતાં. પરિવારજનોએ તેમની વહેલી સવારે શોધખોળ શરૂ કરી હતી, એ દરમિયાન બંને ખંડીવાળાની નર્મદા મુખ્ય નહેર પર જોવા મળ્યાં હતાં.

હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર-2નાં પૂર્વ મહિલા કોર્પોરેટર સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણના પુત્ર નરેન્દ્ર ચૌહાણ ઉર્ફે નૈલુ તેમની પત્ની સાથે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. બંને ચાલતાં ચાલતાં હાલોલથી 10 કિલોમીટર દૂર વડોદરા રોડ પર ખંડીવાળા ગામે આવેલી નર્મદાની મુખ્ય નહેર ઉપર બંનેએ કેનાલમાં પડતું મૂકતાં નૈલુની પત્નીને રાહદારીઓએ બચાવી લીધી હતી, પરંતુ નૈલુ કેનાલના ઊંડા વહેતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેની શોધખોળ કરવામાં આવી રહી છે.

નહેરમાંથી બચાવી લેવામાં આવેલી મહિલાને સારવાર માટે હાલોલ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. બનાવની જાણ હાલોલનગરમાં થતાં અનેક લોકો નહેર ઉપર દોડી આવ્યા હતા. હાલોલ ફાયરની ટીમે બપોર સુધી પાણીમાં લાપત્તા થયેલા નૈલુ ચૌહાણની નહેરમાં શોધખોળ કરી હતી, ત્યાર બાદ વડોદરા ફાયરને બોલાવવામાં આવી હતી. તેમણે મોટર બોટ દ્વારા નહેરમાં શોધખોળ આરંભી છે, પરંતુ હજી ડૂબેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

યુવકે 2019માં યુવતી સાથે પ્રેમવિવાહ કર્યા હતા અને ત્યાર પછી તે માતાપિતાથી અલગ રહેતો હતો. સુખી લગ્નજીવનમાં બંનેને એક દીકરી છે. ગત રાત્રે પારિવારિક કલેશને કારણે યુવક તણાવમાં હતો. આજે વહેલી સવારે તે પત્ની સાથે ઘરેથી નીકળી ગયો હતો અને ચાલતો ખંડીવાળા પહોંચ્યો હતો, જ્યાં તે જીવન ટૂંકાવવા જતાં તેની પત્નીએ તેના મિત્રને જાણ કરી હતી અને મિત્રો કેનાલ પહોંચતાં જ યુવકે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી, જેને પકડવા જતાં તેની પત્ની પણ નહેરમાં પડી હતી. સ્થળ ઉપર પહોંચેલા મિત્રો પૈકી એક મિત્રએ કેનાલમાં કૂદી યુવતીને બચાવી લીધી હતી, પરંતુ યુવક પાણીના ઊંડા વહેણમાં તાણાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારોને કરવામાં આવતાં નહેર ઉપર લોકટોળાં એકત્ર થયાં હતાં.

યુવતીને તાત્કાલિક હાલોલની લાઇફ કેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર કરી રહેલા ડોક્ટર મિલન વર્માએ જણાવ્યું હતું કે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે બે શુદ્ધ હતી. પેટમાં પાણી ગયેલું હોવાથી નાકમાં નળીઓ નાખીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. પ્રાથમિક ઉપચાર અને સારવાર કર્યા પછી તે ભાનમાં આવી હતી. હાલ તેની તબિયત સુધારા ઉપર હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું છે. હાલ યુવતીને આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.