હાલોલમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરીની પહેલા વરસાદે પોલ ખુલી : યોગ્ય પુરાણ નહિ કરાતા માર્ગો ઉપર ભુવા પડ્યા

હાલોલ નગર સહિત પંથકમાં વરસેલા વરસાદને લઈ હાલોલ નગરમાં ચાલી રહેલી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી પોલ પ્રથમ વરસાદે ખુલી ગઈ હતી. નગરના આંતરિયાળ માર્ગો પર વાહનો ચલાવવા માટે મુશ્કેલ બન્યા છે. જેના કારણે તંત્ર સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

કંજરી રોડ પર આવેલ સરસ્વતી સ્કુલથી તુલસી વિલા સોસાયટીમાં જવાના રસ્તા પર ભુગર્ભ ગટર યોજનાને લઈ ખોદેલા ખાડામાં ઈજારદાર દ્વારા પુરાણ બરાબર નહિ કરતા આખા રસ્તા ઉપર વરસેલા વરસાદના કારણે તુલસી વિલા તરફ જવાનો રસ્તો બેસી જતાં રાહદારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને કેટલાક વાહનો ફસાઈ ગયા હતા.

હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી ભુગર્ભ ગટર યોજનામાં ઈજારદાર દ્વારા નગરના તમામ રસ્તા ઉપર ભુગર્ભ ગટરની પાઈપલાઈન નાંખવા માટે ખાડા ખોદવામાં આવે છે. જે ખોદેલા ખાડામાં પુરાણ બરાબર કરવામાં આવતુ ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાશવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે. ત્યારે વરસેલા વરસાદના કારણે નગરના કંજરી રોડ વિસ્તારમાં આવેલી તુલસી વિલા સોસાયટીમાં જવાના માર્ગ ઉપર છેલ્લા એક સપ્તાહથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા વરસાદને લઈ આખો રોડ બેસી ગયો હતો. જેને લઈ તે વિસ્તારમાં રહેતા રહિશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમાં બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી. બસ સ્ટેન્ડ સામે દ્વારકાધિશ હવેલીથી હોટલ યુવરાજ તરફ જવાના રસ્તા ઉપર પણ ઠેર ઠેર ભુવાઓ પડી ગયા છે. તેમાં પણ એક ટ્રેકટર પણ ફસાઈ જતાં મહામુસીબતે બહાર કાઢ્યુ હતુ.ભુગર્ભ ગટર યોજનાના ઈજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાની ધણી બધી ફરિયાદો ઉઠી છે.