હાલોલમાં આદિવાસીઓની જમીન ઉપર કરાયેલા દબાણો 15 દિવસમાં દુર કરવા કલેકટરનો હુકમ

હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર આદિવાસીની જમીન જાંબુડી સર્વે નં.-9માં હાલોલ પાલિકાના પુર્વ પ્રમુખ સુભાશ પરમાર અને તેનો પુત્ર ચિરાગ પરમારે ગેરકાયદે કબ્જો કરી કોમર્શિયલ બાંધકામો કર્યા હતા. મિલ્કતો ભાડે આપી હોવાથી કલેકટર દ્વારા જમીન શ્રી સરકાર કરાઈ હતી.

અને બાકી લોકો સામે કાર્યવાહી કરાતા હોવાના આક્ષેપો વચ્ચે પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ આદિવાસી પરિવારોની 73 એ-એ ની નવી અને અવિભાજય શરતની સર્વે નં.-534 પૈકી 1, 2 જમીનો પર પાલિકાના પુર્વ પ્રમુખ શિતલ પટેલ સહિત 31 લોકોએ ગેરકાયદે કબ્જો કરી સક્ષમ અધિકારીઓની પુર્વ મંજુરી વગર જમીનો પર કંચન કૃપા સોસાયટીના મકાનો કોમ્પલેક્ષ દુકાનોનુ કોમર્શિયલ બાંધકામ કર્યુ હતુ.

પાલિકા સાથે મિલીભગત કરી પાલિકાની આકારણી કરાવી પાણી સહિત વીજ કનેકશન મેળવી લીધા હતા. જે હાલોલ પ્રાંત મામલતદાર, પાલિકા ચીફ ઓફિસરને ઘ્યાને આવતા સ્થળ પંચનામા સહિત કબ્જેદારોના નિવેદનો સહિત સાત સર્વે નંબરોની 73 એ-એ વાળી નવી શરતની જમીનો પરની કુલ 229 મિલ્કતોની આકારણીઓ પાલિકાએ રદ્દ કરી હતી.

જરૂરી પુરાવા સહિતનો અહેવાલ કલેકટરને રજુ કરાયા બાદ કલેકટરે સર્વે નં.-534 પૈકી 1 હે.આ.ચો.મી.0.64.75 તેમજ સર્વે ન.-534 પૈકી 2, 0.64.76 વાળી 73 એ-એ નવી અને અવિભાજય શરતની ખેતીની જમીનમાં અનઅધિકૃત ભોગવટો કરી જ.મ.કા.કલમ-79(એ)નો ભંગ કરેલ હોય સદર જમીન હયાત ઈમલા સહિત સરકાર હસ્તક દાખલ કરવા તેમજ જમીન પર અનઅધિકૃત રીતે ભોગવટો કરનાર કબ્જેદારોની સંક્ષિપ્ત રીતે હકાલપટ્ટી કરવી, અનઅધિકૃત બાંધકામને કબ્જેદારોના સ્વખર્ચે દુર કરવા તાબાના અધિારીઓને હુકમ કરાયો છે.

બંને સર્વે નંબરોની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરનાર 31 ઈસમોને દિન-15માં સ્વખર્ચે બાંધકામ દુર કરવાનુ રહેશે નુ હુકમ કરતા આદિવાસીઓની જમીનો પર ગેરકાયદે કબ્જા કરી જમીનો પર કોમર્શિયલ બાંધકામો કરી વેપલો કરતા જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.