હાલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંંટણી પરિણામમાં 10 ઉમેદવાર ભાજપ પેનલના ચુંટાઈ આવ્યા

હાલોલ,શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની ગઈકાલે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. ખેડૂત વિભાગના 10 સભ્યો માટે ભાજપ પ્રેરિત તેમજ કોંગ્રેસ પ્રેરિત પેનલોમાં 16 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આજે યોજાયેલ મતગણતરીમાં તમામ 10 ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાઈ આવતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હાલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કાર્યકાળ પૂરો થતા પંચમહાલ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા પોતાની પેનલો ઉતારવામાં આવી હતી. ખેડૂત વિભાગના 10 સભ્યો માટે ભાજપ પ્રેરિત પેનલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલમાં 06 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉત્પન્ન બજાર સમિતિ સાથે જોડાયેલા 172 સભાસદો પૈકી 166 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગઈકાલે યોજાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે સભાસદ તરીકે મતદાન કર્યું હતું અને આ ચૂંટણીમાં ભાજપના તમામ 10 ઉમેદવારોની જીત થવાની આશા વ્યક્ત કરી હતી.

આજે સવારે સુરક્ષા સાથે પંચમહાલ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અને ચૂંટણી અધિકારી જી.વી. ગરાસિયાની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારોની હાજરીમાં બેલેટ પેપર ખોલવામાં આવ્યા હતા અને તમામ સભ્યોને મળેલા મતોની ગણતરી કરવામાં આવી હતી. 172માંથી 166 સભાસદોએ મતદાન કર્યું હતું.

166 માંથી સૌથી વધુ મતો મેળવી વિજેતા બનેલા ઉમેદવારોની યાદી….

બારીયા ચંદુભાઈ નાથાભાઈ 139 મત

પરમાર યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહ 138 મત

નાયક કાંતિભાઈ ભઈલાલભાઈ 136 મત

ગોહિલ પર્વતભાઈ સનાભાઇ 133 મત

વરીયા નારણભાઈ લાલાભાઇ 130 મત

પરમાર પ્રવિણસિંહ ઉદેશી 127 મત

વ્યાસ અનિલભાઈ ભાનુભાઈ 123 મત

પટેલ અશોકભાઈ રાવજીભાઈ 120 મત

રાઠવા રતનસિંહ મનસુખભાઈ 119 મત

પટેલ ઠાકોરભાઈ નાગજીભાઈ 117 મત

જાહેર થયેલા પરિણામોમાં વિજેતા મતદારોને મળેલા મતોનીસરેરાશ ધ્યાને લેતા કુલ મતદારોના 74.41% મત અને થયેલા મતદાનના 77% મત ભાજપ પ્રેરિત પેનલને મળ્યા છે. હાલોલ તાલુકામાં મરણ પથારીએ આવી ગયેલી કોંગ્રેસ એપીએમસીની ચૂંટણીમાં તેનો 25% વોટ શેર જાળવી રાખવામાં સફળ રહી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ સભ્યો વિજેતા બનતા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખુશીમાં સૌ વિજેતા ઉમેદવારોનું મોઢું મીઠું કરાવી ફૂલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરી હતી. પહેલીવાર ભાજપે એપીએમસી ઉપર સંપૂર્ણ કબજો જમાવ્યો છે.