હાલોલ નગર ખાતે વીજળીનુ બિલ ભરવાની કોઈ વ્યવસ્થા ન હોય ઓનલાઈન પેમેન્ટ ન કરી શકતા વીજ ગ્રાહકોને મુશ્કેલી પડે છે. એમજીવીસીએલ વહીવટી તંત્રના કારણે ભાડાખર્ચીમાં ગામની બહાર 5 થી 6 કિ.મી.દુર જવુ પડે છે.
એમજીવીસીએલ તંત્રના હાલોલ વિભાગના અધિકારીઓની અયોગ્ય વહીવટથી હાલોલ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો વપરાશ કરતા હજારો ગરીબ અને મઘ્ય વર્ગના લોકોને વીજળીના બિલ ભરવામાં વારંવાર હાલાકી ભોગવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં જેમની પાસે ઓનલાઈન વીજ બિલ ભરવાની વ્યવસ્થા છે તેવા લોકો સહિત જેઓના રેગ્યુલર બેંક એકાઉન્ટ હોય અને ઓનલાઈન પેમેન્ટ કરવાની 5રિસ્થિતિમાં સક્ષમ છે તેવા લોકો ઓનલાઈન પેમેન્ટ કરી દે છે પરંતુ જેમને ઓનલાઈન પેમેન્ટ કરતા આવડતુ નથી તેવી ગરીબ પ્રજાને સ્માર્ટફોન નહિ હોવાથી મુશ્કેલી પડી રહી છે.
હાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય સમયથી વીજ બિલ ભરવા માટે એક પણ કેબિન કે કચેરી ન હોવાના કારણે હાલોલ નગર સહિત તાલુકાની ગ્રામ્ય વિસ્તારના તમામ વીજ ઉપભોકતા લોકોને હાલોલ શહેરની બહાર 5 થી 6 કિ.મી.દુર હાલોલ જીઆઈડીસીથી પણ આગળ આવેલી મઘ્ય ગુજરાત વીજ કંપની લિ.ની કચેરી ખાતે વીજ બિલ ભરવા માટેનો ધકકો ખાવાનો વારો આવ્યો છે.જોકે આજથી થોડા સમય પહેલા હાલોલ નગર ખાતે બેંક ઓફ બરોડાની પાસે આવેલી બેંક સહકારી બેંકમાં તેમજ પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ વીજ બિલ ભરી શકતા હતા.
પરંતુ મઘ્ય ગુજરાત વીજ કંપની લિ.હાલોલના તંત્ર દ્વારા કોઈક કારણોસર આ તમામ સ્થળોએ વીજ બિલો ભરાવવાનુ બંધ કરી દીધુ છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. આ સમસ્યાનો તાત્કાલિક એમજીવીસીએલ કચેરી હાલોલના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા નિકાલ કરે અને હાલોલ નગર સહિત તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં જયાં વીજ વપરાશના વીજ બિલો સ્વિકારાય તેવી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ મઘ્યમ અને ગરીબ વર્ગના લાખો લોકો દ્વારા કરવામાં આવી છે.