હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા સ્મશાન નજીકથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. યુવક શિવરાજપુર નજીક કેસરપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે અને તે તેના પિતા કંજરી ગામેમાં ખેતી કરતા હોવાથી ત્યાં પિતા સાથે ખેતરમાં રહેતો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા કેસરપુરા ગામના ખીમાભાઈ રાઠવા પત્ની અને એક પુત્ર તથા બે પુત્રીઓ સાથે કંજરી ગામે ખેતીની જમીન ભાગે રાખી ખેતરમાં જ ઝુંપડું બાંધી રહેતા હતા. ત્રણ વર્ષથી કંજરી ગામના એક પટેલની જમીન ભાગે કરતા હોવાથી તેઓ અહીં ખેતરમાં જ રહેતા હતા. તેઓના પુત્ર દિનેશ રાઠવાની માનસિક સ્થિતિ ઠીક ન હતી. તેને વારંવાર ખેંચ આવતી હોવાથી તેની વાઘોડિયાના ગોરજ ખાતે આવેલ મુનિ સેવાશ્રમ ખાતે તેની સારવાર પણ કરાવવામાં આવી હતી.