હાલોલ કંજરી રોડ તુલસીવિલા સોસાયટીના બંધ મકાનમાં રોકડ અને દાગીનાની ચોરી

હાલોલ, હાલોલ કંજરી રોડ પર આવેલા તુલસીવિલા સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દોઢ લાખ રૂપિયાના દાગીના અને 20 હજાર રોકડાની હાથ સફાઈ કરી ફરાર થઈ ગયા હતા. નજીકમાં લગ્ન હોવાથી સાંજે મકાન માલિક વરધોડામાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરો ઉપરના માળના દરવાજાનો નકુચો તોડી ધરમાં પ્રવેશ્યા હતા. તિજોરી તોડી સામાન અસ્ત વ્યસ્ત કરી દાગીના અને રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. મકાન માલિકે રાત્રે જ પોલીસને ચોરી થયાની જાણ કરી હતી.

હાલોલના કંજરી રોડ તુલસીવિલા સોસાયટીમાં એ-89 નંબરના મકાનમાં રહેતા ચોૈહાણ પરેશકુમાર બળવંતસિંહ તેમના ધરની સામે નજીકમાં લગ્ન હોવાથી સાંજે નીકળેલા વરધોડામાં ગયા હતા. અડધો કલાકમાં જ તેઓ ધરે પરત ફર્યા હતા. ત્યારે ધરમાં જતાં બેડરૂમ સહિતનો સામાન અસ્તવ્યસ્ત વિખરાયેલો પડ્યો હોવાથી તપાસ કરતા તિજોરી તુટેલી હતી. તિજોરીમાંથી સોનાના દાગીના, પાંચ વિંટી, કાનના કુંડળ, છડા, સોનાની ચેઈન મળી દોઢ લાખ રૂપિયાના દાગીના તેમજ તિજોરીમાંથી 20 હજાર રૂપિયા રોકડા ગાયબ જણાયા હતા. મકાન માલિકે તપાસ કરતા ચોર મુખ્ય દરવાજાથી નહિ પરંતુ ઉપલા માળનો દરવાજો તોડીને ધરમાં પ્રવેશ્યા હોવાનુ જણાવ્યુ હતુ. ઉપલા માળના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ધરમાં ધુસ્યા હતા. અને વરધોડાના શોર બકોરમાં ગણતરીના સમયમાં ધરમાંથી 1.50 લાખ રૂપિયાના દાગીના સહિત રોકડ રકમ તફડાવી ફરાર થઈ ગયા હતા. રાત્રે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ સ્ટાફ રામનવમીની શોભાયાત્રામાં બંદોબસ્તમાં હોવાથી સાંજ સુધી પોલીસે તપાસ કરવા આવીશુ તેમ જણાવ્યુ હતુ. છતાં હજુ સુધી પોલીસ આવી ન હોવાનુ જાણવા મળ્યુ હતુ.