હાલોલ કંજરી રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટે 600 ડાયામીટરની પાઈપો નાંખતા રહિશોમાં કચવાટ

હાલોલ,

હાલોલ નગરના કંજરી રોડ ઉપર હાલમાં ચાલી રહેલા વિકાસના કામો પૈકી રોડને પહોળો કરવાની કામગીરીમાં અગાઉ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈનને તોડી તેમાં 900 ડાયામીટરની પાઈપલાઈન નાંખી તેના ઉપર સીસી રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં કોઈક કારણોસર કોન્ટ્રાકટર દ્વારા 900 ડાયામીટરના બદલે 600 ડાયામીટરની પાઈપો નાંખવામાં આવી રહી છે. જેને લઈ આ વિસ્તારના રહિશોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત આ વિસ્તારના લોકોમાં ચર્ચાઓ ઉભી થઈ છે કે, આટલી નાની પાઈપમાંથી વરસાદી પાણી જશે કે કેમ ? અગાઉ મોટી વરસાદી પાણીની ડ્રેનેજ બનાવાઈ હતી તે શુ ખોટી હતી ? હાલની આ કામગીરી જોતા સરકારી નાણાંનો દુર્વ્યય થઈ રહ્યાનુ સ્પષ્ટપણે જોવાઈ રહ્યુ છે. જો કે આ બાબતે માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ કામગીરીમાં 900 ડાયામીટરની પાઈપ નાંખી કામગીરી કરવાનુ છે પરંતુ કેટલીક જગ્યાએ મોટી પાઇપો નાંખવાથી રોડનુ લેવલ જળવાતુ નથી. આ લેવલ કરવા માટે નીચે ખોદકામ કરવુ પડે તેમ છે. જો ખોદકામ કરીએ તો નીચે દબાયેલી પાણીની અને ગેસની પાઈપલાઈનોને નુકસાન થાય તેમ છે. જેને લઈ કેટલીક જગ્યાએ 900ની જગ્યાએ 600 ડાયામીટરની પાઈપ નાંખી કામગીરી કરવામાં આવી રહી છે.