હાલોલ,
હાલોલના કંજરી રોડ પર રામદેવજી મંદિર પાસે મુખ્ય રોડ પરની ગટરમાં ગાય ખાબકતા પાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી.
કંજરી રોડ પર રોડની સાઈડમાં આવેલી ગટર લાઈન કેટલીક જગ્યાએ ખુલ્લી છે. ધવલ પાર્ક સોસાયટી પાસે આવેલા રામદેવજી મંદિર નજીકની ખુુલ્લી ગટરલાઈન પાસે ફેલાયેલા કચરાના ઢગલાના કારણે એક ગાય ગટરમાં ખાબકી હતી. બનાવને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ જતા ગાયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા બનાવ અંગે નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમને જાણ થતાં ફાયર ફાયટરની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. ગટરમાં પડેલી ગાયને ભારે જહેમત ઉઠાવી બહાર કાઢી હતી. જયારે રામદેવજી મંદિર નજીક આવેલી આ ખુલ્લી ગટરને ઢાંકવા તેમજ આસપાસની ગંદકી સાફ-સફાઈ કરવા લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી.