હાલોલ જેપુરા પંચાયતમાં ગોૈચરની જમીન ખાનગી કંપનીના ફાઉન્ડેશનને ફાળવી દેતા તલાટી સસ્પેન્ડ

ગોધરા, ગોચર જમીનની રખેવાળી કરવાની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની હોય છે. પણ પંચમહાલના જેપુરા ગામમાં રખેવાળે જ ગોચર જમીનનો બારોબાર ખોટો ઠરાવ કરીને ખાનગી કં5નીના ફાઉન્ડેશનને પધરાવી દેતા તેના પડધા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા.

વર્ષ-2013માં હાલોલ તાલુકાના જેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને 13 હેકટર ગોચર ખાનગી કંપનીના ફાઉન્ડેશનને સોંપવાનો કારસો રચ્યો હતો. પરંતુ ઠરાવની અમલવારી ન કરતા મામલો ઠંડો રહ્યો હતો ત્યારે જેપુરા ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા આર્થિક લાભ ખાટવા ગ્રામ પંચાયતમાં 2022માં ખોટો ઠરાવ કરીને પોલીકેપ કંપનીના સોશિયલ વેલફેર ફાઉન્ડેશનને 13 હેકટર ગોચર જમીન 20 વર્ષ માટે વિકાસ કરવા આપી દીધી હતી. ગોચર જમીનમાં બાંધકામ અને ખોદકામ થતુ હોવાની રજુઆત જિલ્લા પંચાયતમાં કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ગોચર જમીન પરનુ થતુ બાંધકામ વિસ્તરણ અધિકારીએ સ્થળ ઉપર જઈને બંધ કરવાનુ કહેવા છતાં કામ ચાલુ રાખ્યુ હતુ. હાલોલ પ્રાંત અધિકારીએ પણ જાણ કરેલ હોવા છતાં ગોચર જમીન પર કામ ચાલુ રાખ્યુ હતુ. જેપુરા ગ્રામ પંચાયતના તલાટી વી.આર.પલાસ, સરપંચ તથા સભ્યો દ્વારા સરકારના નિયમો વિરુદ્ધ ઠરાવ કરીને ગોચર જમીન પોલીકેપ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનને 20 વર્ષ માટે આપી દીધી હતી. અને તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને ઠરાવ પ્રતિબંધ કરવા મોકલ્યો ન હતો. જેથી ફાઉન્ડેશને ગોચર જમીનમાં અનઅધિકૃત બાંધકામ કરેલ છે. જેથી ગ્રામ પંચાયત અને તલાટીએ કોઈપણ જાતની જાણ તાલુકા પંચાયતે કરી ન હોવાની ગંભીર બેદરકારી દાખવતા તલાટી વી.આર.પલાસને તાત્કાલિક અસરથી ફરજ મોકુફીનો હુકમ નાયબ ડી.ડી.ઓ.એચ.ટી.મકવાણાએ કર્યો હતો. જેપુરા ગ્રામ પંચાયતમાં ગોચર જમીન સામાજિક વણીકરણ માટે પોલીકેપ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનને 20 વર્ષનો ઠરાવ દરમિયાન તલાટી દ્વારા અસંમતિ દર્શાવીને તાલુકા પંચાયતને જાણ કરી ન હતી. ગોચર જમીનની જાળવણીને દેખરેખ રાખવાની જવાબદારી ગ્રામ પંચાયત સહિત તલાટીની હોય છે. તેમજ ફાઉન્ડેશન દ્વારા ગોચર જમીન પર તારનુ ફેંસિંગ, દિવાલ તથા તળાવની કામગીરી કરવામાં આવી છતાં તલાટી પલાસ દ્વારા કોઈપણ જાતની જાણ હાલોલ તાલુકા પંચાયતને નહિ કરીને બેદરકારી અને નિષ્કાળજી પુરવાર થતાં તલાટી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.