હાલોલ જેસીબી કંપની પાસે મારૂતીવાન ઝાડ સાથે અથડાતા ચાલક ફસાયો ભારે જહેમત બાદ યુવાનને બહાર કાઢી જીવ બચાવાયો

હાલોલ, પંચમહાલ જીલ્લામાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ત્યારે હાલોલ જી.આઈ.ડી.સી. પાસે જેસીબી કંપની આગળથી મારૂતીવાનને લઈને પસાર થતા ચાલક રોડ સાઈડે ઝાડ સાથે અથડાઈ જતાં વાહનના કચ્ચરધાણ વળી ગયો હતો અને ચાલક વાનમાં ફસાઈ જતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાલકને બહાર કાઢવાની કોશીષ કરાઈ હતી પરંતુ સફળતા નહિ મળતા ગોધરા ફાયર બ્રિગેડની ટીમ રેસ્કયુ ટેન્ડર સાથે ધટના સ્થળે દોડી આવી ભારે જહેમતે ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હાલોલ જી.આઈ.ડી.સી. પાસે જેસીબી કંપની નજીકની વાવાઝોડા અને વરસાદ વચ્ચે મારૂતીવાન ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અચાનક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવીને રોડ સાઈડના ઝાડ સાથે મારૂતીવાન ધડાકાભેર અથડાઈ ગઈ હતી. ઝાડ સાથે મારૂતીવાન અથડાઈ જતાં વાનનો કચ્ચરધાણ વળી ગયો હતો અને ચાલક તેમાં ફસાઈ જતાં બુમાબુમ કરી મુકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. પરંતુ વાનમાં ફસાઈ ગયેલ ચાલકને બહાર કાઢવા માટે પુરતા સાધનનો અભાવ હોય જેને લઈ ગોધરા ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી. ગોધરા ફાયર ફાયટરોદની રેસ્કયુ ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ વાનમાં સફાયેલ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. વાન ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોય જેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.