હાલોલના જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા જતીન દરજીની ક્રૂર રીતે કરવામાં આવેલી હત્યા પ્રકરણમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસ તપાસમાં જતીનની હત્યા તેની પત્ની બિરલે પ્રેમી રમેશ પટેલ સાથે મળીને કરાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. તે સાથે પોલીસે જતીનની ગળું દબાવી હત્યા કરનાર અગાઉ ઝડપાયેલા બે હત્યારાઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પૂરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, છ દિવસ અગાઉ સાવલી તાલુકાના ખાખરીયા ગામની સીમમાંથી પસાર થતી દિલ્હી- બોમ્બે રેલવે ટ્રેક પર ત્રણ ટુકડા થઈ ગયેલી જતીન દરજી (રહે. 43, મંગલમૂર્તિ ડપ્લેક્સ, હાલોલ )ની લાશ મળી આવી હતી. બનાવના પગલે સાવલી પોલીસે અકસ્માત ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન જતીનની હત્યા થઇ હોવાની વિગતો બહાર આવતા હત્યારાઓને ઝડપી પાડવા સાવલી પોલીસ મથકના પીએસઆઇ રાજેશ વાઘેલા, એલસીબી પીઆઇ કૃણાલ પટેલ અને તેમની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.આ સનસનીખેજ હત્યાના બનાવ અંગેની માહિતી આપતા ડીવાયએસપી બી.એચ. ચાવડાએ જણાવ્યું હતું કે, એક કોલ રેકોર્ડિંગ પરથી હત્યા થયાનું બહાર આવ્યું હતું અને મૃતકના પત્ની બિરલબેન જતીનકુમાર દરજીની ફરિયાદના આધારે નાગજી મહેરામ ભરવાડ વિરુદ્ધ અને અન્ય વણ ઓળખાયેલી વ્યક્તિ સામે પોલીસે હત્યાનો ગુનો નોધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિજય રામા ભાઈ (રહે. ચાપાનેર તાલુકો સાવલી) ની ધરપકડ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં અન્ય એક સાથીદાર સંદીપભાઈ કનૈયાલાલ બલાઈ (રહે. નેવડીયા વસાહત તાલુકો કાલોલ )ની ધરપકડ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, બનાવના દિવસે નાગજી ભરવાડ મૃતક જતીન દરજીને પોતાની કારમાં લઈને આવ્યો હતો અને દારૂ પીવા માટે ઉપરોક્ત બંને ઈસમોને બોલાવ્યા હતા અને કેનાલ પાસે બેસીને ચારેય ઈસમોએ દારૂ પીધો હતો. ત્યારબાદ ખાખરીયા ગામની સીમમાં આવેલા રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ખેતરમાં ગળું દબાવીને જતીન દરજીની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકીને ફરાર થઈ ગયા હતા. જે મૃતદેહ પરથી ટ્રેન પસાર થતાં ત્રણ ટુકડા થઈ ગયા હતા.
જાણવા મળ્યા મુજબ મુખ્ય સૂત્રધાર નાગજી ભરવાડે વિજય નાયક અને સંદીપ બલાઈને પૂર્વ-નિયોજિત રીતે નક્કી કરીને મારી નાખવા માટે 10-10 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. અને તેના પેટે 5-5 હજાર રૂપિયા ચૂકવ્યા પણ હતા. તેમ તપાસ અધિકારી પી.એસ.આઈ. રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું. જ્યારે આ બંનેને હત્યા કરવાનું કારણ ખબર નથી. મુખ્ય સૂત્રધાર નાગજી ભરવાડની ધરપકડ પછી હત્યાનું કારણ બહાર આવે તેમ હોઇ પોલીસે નાગજી મહેરામ ભરવાડ (રહે. પ્રતાપપુરા, હાલોલ)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં સનસનીખેજ વિગતો બહાર આવી હતી.
:: ડી.વાય.એસ.પી. બી.એચ. ચાવડા ::
જતીન દરજી અને બિરલ પટેલે 2009માં પ્રેમલગ્ન કર્યા હતા. 16 વર્ષના લગ્નજીવનમાં બે સંતાનો છે. પત્ની બિરલને પોતાની જ સોસાયટીમાં રહેતા પતિના ધંધાકીય બિલ્ડર મિત્ર ધર્મેશકુમાર ઉર્ફ ધમો પ્રવિણભાઇ પટેલ (રહે. 14, મંગલમૂર્તિ ડુપ્લેક્સ, હાલોલ) સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયા હતા. બીજી બાજુ પતિ સાથે ઝઘડાઓ થતા હોવાથી બિરલ ત્રાસી ગઇ હતી.