હાલોલ,હાલોલ જીઆઇડીસીમાં આવેલ ઇન્દિરા નગર વસાહતમાં રહેતા પરપ્રાંતીય દુર્ગાપ્રસાદ પાંડે વ્હુંડાઈ શોરૂમ ખાતે સિક્યુરિટી એજન્સી મારફતે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમાં તેઓ નિત્યક્રમ મુજબ શુક્રવારે મોડી સાંજના સુમારે પોતાની સાયકલ લઈને હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર રહીને વ્હુંડાઈ શોરૂમ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. ત્યારે એમ.જી. મોટર્સ કંપની પાસે ચોકડી નજીક એક લોડિંગ ટ્રકના ચાલકે પોતાની ટ્રકને બેફામ પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી દુર્ગાપ્રસાદ પાંડેની સાયકલને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરથી સાયકલ સહિત રોડ પર ફંગોળાઈને પછડાયેલા દુર્ગાપ્રસાદ પાંડેને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં અકસ્માત જોઈ ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. જેમાં અકસ્માતની ઘટનામાં દુર્ગાપ્રસાદ પાંડેને માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બનાવ અંગેની જાણ તેઓના પરિવારજનો થતા પરિવારજનો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને દુર્ગાપ્રસાદના મૃતદેને જોઈને રોકકળ મચાવી મુકતા વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.