હાલોલ, હાલોલ જીઆઈડીસી ખાતે આવેલી પોલીસ ચોકીના બાથરૂમમાં કાલોલ તાલુકાના એક ગામની પરિણીત યુવતી અને અપરિણીત યુવકે કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.
હાલોલ ટાઉન પોલીસ મથકના તાબામાં આવેલ હાલોલ જીઆઈડીસી પોલીસ ચોકી ખાતે કાલોલ તાલુકાના એક ગામે રહેતી પરિણીત યુવતી અને અપરિણીત યુવકને હાલોલ જીઆઈડીસી પોલીસે કાયદાકિય કાર્યવાહી અંતર્ગત પોલીસ ચોકી ખાતે જવાબ લેવા માટે બોલાવ્યા હતા. જેમાં બંને વ્યકિતઓએ પોલીસ ચોકીમાં શોૈચ કરવા જઈએ છીએ તેમ કહી બહાનુ કરી જીઆઈડીસીની પોલીસ ચોકીના બાથરૂમમાં જઈ બંનેએ એકસાથે કોઈક કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમાં પોલીસને આ બાબતની જાણ થતાં જીઆઈડીસી પોલીસ ચોકીના કર્મચારીઓ તાત્કાલિક બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં તેઓના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. જેમાં પોલીસ ચોકીના બાથરૂમમાં દવા પી લેનાર પરિણીતા અને યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હાથ ધરાઈ હતી. બંનેની સારવાર હાથ ધરાયા જીવનુ કોઈ જોખમ ન હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસ ચોકીના પોલીસ કર્મચારી મદનભાઈ ભુપતભાઈએ જાહેરાત આપી કે હાલોલ ટાઉન પોલીસ મથકે આ બંને વ્યકિતઓ સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.