
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્લાસ્ટિકની કેરીબેગ બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગી હતી. ફેક્ટરી બંધ હાલતમાં હતી ત્યારે આ ઘટના બની હતી.
હાલોલ ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં કેરીબેગ બનાવવા માટેનો કાચો માલ અને તૈયાર થયેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ કારણે ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ફેક્ટરીમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગની ગાઈડલાઈન મુજબ 120 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના કેરીબેગ બનાવવામાં આવતા હતા કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.