હાલોલ, હાલોલના એસ.ટી. બસની અંદર ગેરકાયદેસર વાહનોનુ દિવસ દરમિયાન મોટા પાયે પાર્કિંગ થતાં બસ સ્ટેન્ડ ખાનગી વાહનોના પાર્કિંગનો અડ્ડો બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.
એક તરફ બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જયારે એસ.ટી.બસ સ્ટેન્ડની દિવાલ પર જાહેરનામું પેન્ટ કરવામાં આવ્યુ છે. તેમાં જણાવ્યાનુસાર એસ.ટી.નિગમના તમામ બસ સ્ટેન્ડના કંટ્રોલ પોઈન્ટ કે જયાંથી મુસાફરોની હેરાફેરી થતી હોય છે તે એસ.ટી.બસ સ્ટેન્ડની આજુબાજુ દરેક જાહેર રસ્તામાં 200 મીટર વિસ્તારમાં ખાનગી વાહનો ઉભા રાખવા નહિ કે પાર્ક કરવા નહિ. આ પ્રકારનુ જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે તેમ છતાં બસ સ્ટેન્ડની બહાર તો ઠીક પરંતુ બસ સ્ટેન્ડની અંદર લાગતા વળગતા તંત્રની ઉદાસીન નિતીથી બેરોકટોક કાયદાનુ ઉલ્લંધન કરી બસ સ્ટેન્ડની અંદરના ભાગમાં ખાનગી વાહનોનો ખડકલો થતો જોવા મળી રહ્યો છે. જયારે સાંજના સમય બાદ આ જગ્યા ઉપર અસામાજિક તત્વોનો ગોરખધંધો પણ ચાલતો હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.