હાલોલ બસ ડેપોમાં વેધર શેડના અભાવે ગરમીમાં મુસાફરો પરેશાન

હાલોલ,હાલોલમાં 6 પ્લેટફોર્મ વાળી નવીન બસ સ્ટેન્ડ વર્ષ-2015માં તૈયાર બાદ બાદ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આગળના ભાગે પ્લેટફોર્મ પર આવતી બસોમાં મુસાફરો આવન જાવન કરી શકે ત્યાં એક વિશાળકાય વેધર શેડ બનાવવામાં આવ્યો હતો. જોકે આ વેધર શેડ આઠ માસ અગાઉ વાવાઝોડામાં ધરાશાઈ થઈ ગયો હતો. જોકે સદ્નસીબે આ દુર્ધટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ ન હતી. જે બાદ આ વેધર શેડને ઉતારી લેવામાં આવ્યો હતો. આ વેધર શેડ મુસાફરોની સુવિધાને ઘ્યાનમાં રાખી ફરીથી ટુંકા ગાળામાં એસ.ટી.વિભાગ દ્વારા લગાવો જોઈતો હતો. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આઠ માસ જેટલો સમય આ વેધર શેડ બસ સ્ટેશનના એક બાજુ જમીન પર ખડકેલો જોવા મળતો હતો. જોકે વેધરશેડને લઈને મુસાફરો દ્વારા એસ.ટી.તંત્ર પાસે વેધર શેડ મુસાફરોની સુવિધા અર્થે લગાવવાની માંગ વારંવાર ઉઠતી હોય તંત્ર દ્વારા આ વેધર શેડ યથાવત જગ્યાએ લગાવવાની જગ્યાએ આ વેધર શેડને બસ સ્ટેશનની એક બાજુ પરથી ઉઠાવીને દુર ડેપો ખાતે લઈ જવામાં આવ્યો છે. આનાથી મુસાફરોની નજર વેધર શેડ પર પડે નહિ અને આ અંગે કોઈ પુછપરછ કરે નહિ તેમ લોકોમાં ચર્ચાઈ પણ રહ્યુ છે.