હાલોલ, હાલોલના કંજરી રોડ પર આવેલી જયોતિનગર સોસાયટીથી ભરોણા સુધી આવેલા 15 જેટલા મકાનોના દબાણો તોડવાની કામગીરી હાલોલ પાલિકા દ્વારા કરવામાં આવી હતી. દબાણના કારણે અનેક સોસાયટીઓના રહિશોને અવર જવર માટે તકલીફ ઉભી થઈ રહી હોવાની વારંવારની રજુઆતોના પગલે હાલોલ નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર કરવામાં આવેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
હાલોલ નગરપાલિકા વિસ્તારની જ્યોતિનગર સોસાયટીની પાછળ આવેલી મંગલમુર્તિ સોસાયટી, સાંઈનાથ સોસાયટી સહિત અન્ય પાંચેક જેટલી સોસાયટીઓ બની જતા આ સોસાયટીઓના રહિશો માટેનો એકમાત્ર માર્ગ કે જે હાલોલ કંજરી રોડ ઉપર આવેલા રાત્રિ બજારની બાજુમાંથી નીકળે છે. જે માર્ગ ઉપર રાત્રિ બજારની પાછળ આવેલા જ્યોતિનગર સોસાયટીમાં 15 જેટલા મકાનોના બાંધકામ રોડ ઉપર ઉભા કરી દેવામાં આવ્યા હોય અહિં માર્ગ સાંકડો થઈ જતાં વાહનો લઈને જવાની સમસ્યા ઉભી થતી હતી. જ્યોતિનગરની પાછળ સાતેક જેટલી નવી સોસાયટીના બાંધકામ થતાં ત્યાંના રહિશો દ્વારા આ સાંકડા રસ્તાને પહોળો કરવા માટે અને ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવતા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે પાલિકાની બાંધકામ શાખાના કર્મચારીઓ સાથે ધટના સ્થળે પહોંચી 15 જેટલા મકાનોની બહાર લંબાવવામાં આવેલા ઓટલા અને કમ્પાઉન્ડ સહિતના બાંધકામો તોડી પાડ્યા હતા. હાલોલના પાકા દબાણો તુટવાની ધટનાને લઈ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.