હાલોલ અરાદ રોડ ઉપર અભેટવા ગામ પાસે ઈકો અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં ઈંટવાડીના બે યુવાનોના મોત

હાલોલ,

હાલોલ તાલુકાના અરાદ રોડ ઉપર અભેટવા ગામ પાસે રાત્રીના સમયે ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાંં બાઈક ઉપર સવાર બે યુવાનોના મોત નિપજાવા પામ્યા છે. બન્ને મૃતક યુવાનના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના અરાદ રોડ ઉપર અભેટવા ગામ પાસે રાત્રીના સમયે ઈંટવાડી ગામના બે યુવકો બાઈક ઉપર ધરે પરત ફરી રહ્યા હતા. ત્યારે હાલોલ તરફ આવતી ઈકો ગાડી સાથે બાઈક ધડાકાભેર અથડાઈને ગંંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં હાલોલ ખાતે કંપનીમાં નોકરી કરી મિત્ર સાથે ઈંટવાડી ગામના અલ્કેશ શાંતિલાલ ચૌહાણ ઉ.વ.22 અને રોહિત રણછોડભાઈ ચાવડા ઉ.વ.20ને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. બન્ને મૃતક યુવાનોના મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈંટવાડી ગામના બે યુવાનોનું માર્ગ અકસ્માતમાં મોત થવાની ધટનાને લઈ ગ્રામજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.