હાલોલ, ગોધરા એલસીબી પોલીસે હાલોલ આનંદપુર ચેકપોસ્ટ પાસેથી એક સગીર કિશોર અને બે આરોપીઓને ચોરીના નવ મોબાઈલ, એક મોટરસાયકલ, અને રોકડ રકમ સાથે ઝડપી પાડી હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલા ચીલઝડપ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે,હાલોલના મોંઘાવાડા પાવાગઢ રોડ ખાતે રહેતા શેહઝાદ ફરીદ બજારવાલા અને કોઠી ફળિયામાં રહેતો સાહિલ જાબીર ધાંચી તથા કાયદના સંધર્ષમાં આવેલ કિશોર નંબર પ્લેટ વગરની મોટરસાયકલ હાલોલથી વડોદરા જઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે આનંદપુર ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી તેને રોકી તપાસ કરતા રૂ.79,000/-ના 9 મોબાઈલ, રૂ.30,000/-ની મોટરસાયકલ અને 5,000/-રોકડા મળી કુલ રૂ.1,14,000/-નો મુદ્દામાલ મળી આવતા પુછપરછ કરતા પનોરમાં ચોકડી પાસે કાલોલ જવાના રસ્તા પર ઈંડાના છાપરા આગળ ટેબલ પરથી મોબાઈલ ચોરી કરેલ તેમજ કંજરી રોડ પર શ્રીજી ટ્યુશન કલાસિસ પાસે રોડ ઉપર ચાલતા જતા માણસ પાસેથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. આ ઉપરાંત વી.એમ.સ્કુલ પાસે સોસાયટીની ગલીમાં એક ઈસમ મોબાઈલ ફોન પર વાત કરતો હતો ત્યારે તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો. તેમજ જયારે એક ઈસમ ગોપીપુરા રોડ પર શેરડીની લારી ઉપર ફોન મુકી ઉભો હતો ત્યારે તે ફોન લઈ ભાગી છુટ્યા હતા. જયારે દાવડા નજીક એક ઈસમ એક્ટિવા લઈ મોબાઈલ પર વાત કરતો હતો ત્યારે તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો. જયારે અન્ય એક ઈસમ તાજપુર જવાના રસ્તા ઉપર ઉભો હતો ત્યારે તેનો મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ઝુંટવી ચોરી કર્યાની કબુલાત કરતા ગોધરા એલસીબી પોલીસે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલા ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.